બિહારના સમસ્તીપુર જિલ્લાના રોસડા ગામમાં મધુમાલા દેવી નામનાં માઈભક્તનું તપ આજકાલ આખા ગામ અને સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. ૩૫ વર્ષનાં મુધાલા દેવીએ ખીલાની પથારી બનાવીને એના પર સૂઈને મા દુર્ગાની આરાધના શરૂ કરી છે.
૨૧૫૬ ખીલાની પથારી પર સૂઈને અને પેટ પર કળશ લઈને મા દુર્ગાની આરાધના કરતાં આ માઈભક્તને જોવા ભીડ ઊમટી
બિહારના સમસ્તીપુર જિલ્લાના રોસડા ગામમાં મધુમાલા દેવી નામનાં માઈભક્તનું તપ આજકાલ આખા ગામ અને સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. ૩૫ વર્ષનાં મુધાલા દેવીએ ખીલાની પથારી બનાવીને એના પર સૂઈને મા દુર્ગાની આરાધના શરૂ કરી છે. તેમણે પેટ પર માનો કળશ પણ રાખ્યો છે. ખીલાની પથારી લાકડા પર બનાવવામાં આવી છે. જમીનથી ૧૫ ઇંચ ઊંચા, ૬ ફુટ લાંબા અને સાડાત્રણ ફુટ પહોળા આ બેડ પર કુલ ૨૫૧૬ ખીલા લગાવવામાં આવ્યા છે. માત્ર ખીલાનું વજન કરીએ તો એ ૩૨ કિલો જેટલું છે. એના પર પાતળી ચાદર બિછાવેલી છે અને માથે ઓશીકું. એના પર મધુમાલા દેવી નવરાત્રિના પહેલા જ દિવસથી સૂઈ ગયાં છે. તેમના પેટ પર માતાજીના કળશની સ્થાપના કરવામાં આવી છે. આવી અનોખી ભક્તિ કરવાનું તેમને બે વર્ષ પહેલાં માતાજીએ સપનામાં આવીને કહ્યું હતું. મધુમાલા કહે છે, ‘બે વર્ષ પહેલાં મા દુર્ગાએ સપનામાં મને દર્શન આપ્યાં હતાં. સાક્ષાત્ માનાં દર્શન થતાં મેં મનોકામના રાખી હતી. ગયા વર્ષે ઘરમાં કળશ બેસાડ્યો અને વ્રત કર્યું તો એ મનોકામના પૂર્ણ થઈ. એ જ વર્ષે અમને ઘરમાંથી પૌરાણિક દુર્ગા માની મૂર્તિ મળી આવી હતી. એને કારણે મને સ્ફુરણા થઈ કે હવે હું કંઈક વધુ આકરું તપ કરું.’
મધુમાલા દેવીએ પોતાના ઘરમાં જ આ સાધના આરંભી છે. જેમ-જેમ શ્રદ્ધાળુઓને આ વિશે ખબર પડે છે એમ-એમ લોકો દર્શન કરવા ભીડ લગાવી રહ્યા છે.
