બૅન્ગલોરની આંચકાજનક ઘટના: પત્નીના ચારિય પર શંકા હતી એટલે આવું હિચકારું પગલું ભરનારો પતિ બચી ગયો
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોરમાં ૪૦ વર્ષના એસ. જી. ઇમરાને કેમ્પેગૌડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ નજીકની ફાઇવસ્ટાર તાજમહલ હોટેલમાં પોતાની બે માસૂમ પુત્રીઓ ૧૦ વર્ષની શેખા ઝોયા અને પાંચ વર્ષની શેખા ઝેહરાનું ગળું દાબીને હત્યા કર્યા પછી પોતાનું ગળું ચીરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસને ઘટનાસ્થળ પરથી એક સુસાઇડ-નોટ મળી આવી હતી, જેમાં તેની પત્નીના લગ્નેતર સંબંધો અને કૌટુંબિક વિવાદોનો ઉલ્લેખ હતો. આ હસ્તલિખિત સુસાઇડ-નોટ અનુસાર ઇમરાનને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને તે વૈવાહિક ઝઘડાથી વ્યથિત હતો. તેણે લખ્યું હતું કે તે ઇચ્છતો નથી કે તેનાં બાળકો આવી માતા સાથે રહે.
ADVERTISEMENT
ઇમરાન નૉર્થ બૅન્ગલોરના નાગવારા વિસ્તારનો રહેવાસી છે અને એક કૅબ સર્વિસ કંપનીમાં મૅનેજર તરીકે કામ કરે છે. તેને ગંભીર અવસ્થામાં મનીપાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સાંજે તે બેઉ દીકરીઓ સાથે હોટેલમાં આવ્યો હતો. દીકરીઓની હત્યા કર્યા બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પણ પછી પીડાથી તેણે બૂમો પાડવાની શરૂઆત કરી ત્યારે સ્ટાફે દરવાજો ખોલ્યો હતો. બે દીકરીઓ પલંગ પર મૃત અવસ્થામાં મળી આવી હતી અને ઇમરાન બાથરૂમમાં લોહીના ખાબોચિયામાં મળી આવ્યો હતો.
