કેન્દ્રીય શ્રમપ્રધાન મનસુખ માંડવિયાએ આ કંપનીઓના અધિકારીઓ સાથે વાત કરીને ડિલિવરીની સમયમર્યાદા હટાવી : કંપનીઓ હવે ૧૦ મિનિટવાળું માર્કેટિંગ નહીં કરે, પણ કાર્યક્ષમતા નહીં ઘટાડે
પ્રતીકાત્મક તસવીર
દેશભરના ગિગ વર્કર્સે ઉઠાવેલા અવાજની અસર દેખાવા લાગી છે. તાજેતરમાં થયેલી હડતાળ અને ડિલિવરી-બૉય્સની સુરક્ષાની ચિંતા પછી કેન્દ્રીય શ્રમમંત્રાલયે હસ્તક્ષેપ કરીને એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શ્રમપ્રધાન મનસુખ માંડવિયાએ બ્લિન્કિટ, સ્વિગી, ઝોમાટો જેવી મોટી ડિલિવરી કંપનીઓના અધિકારીઓ સાથે વાત કરીને ૧૦ મિનિટમાં ડિલિવરી કરવાના દાવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ મોટી કંપનીઓએ પોતાના બ્રૅન્ડિંગ અને સોશ્યલ મીડિયાની જાહેરાતોમાંથી ૧૦ મિનિટમાં ડિલિવરી કરવાનો દાવો હટાવવા પર સહમતી દાખવી છે. હવે ૧૦ મિનિટમાં ડિલિવરીનો દાવો બંધ થશે, કેમ કે સરકારે ટાઇમ-લિમિટની શરત હટાવી છે.
મનસુખ માંડવિયાએ ઑનલાઇન ડિલિવરી ઍપના અધિકારીઓની બેઠકમાં ૩ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા.
૧. કંપનીઓનું બિઝનેસ-મૉડલ વર્કર્સના જીવને જોખમમાં નાખીને ન ચલાવી શકાય.
૨. ૧૦ મિનિટ જેવી સમયમર્યાદા માત્ર રાઇડર માટે જ ખતરનાક નથી, રોડ પર ચાલતા અન્ય લોકો માટે પણ જોખમ ઊભું કરે છે.
૩. સરકાર ગિગ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા અને વધુ સારી કાર્યસ્થિતિ માટે એક પૉલિસી બનાવશે.
અત્યાર સુધી બ્લિન્કિટ, ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ, સ્વિગી જેવી કંપનીઓનો સૌથી મોટો યુનિક સેલિંગ પૉઇન્ટ હતો ૧૦ મિનિટમાં ડિલિવરી. હવે આ કંપનીઓ ઝટપટ ડિલિવરીના નામે માર્કેટિંગ નહીં કરી શકે. જોકે કંપનીઓનું કહેવું છે કે તેઓ પોતાની ડિલિવરી કરવાની કાર્યક્ષમતામાં કોઈ ઘટાડો કરવાની નથી, માત્ર જાહેરાતોના માધ્યમથી ગ્રાહકોમાં એવી આશા નહીં જગાવવામાં આવે જેથી રાઇડર્સ પર દબાવ બને.
ADVERTISEMENT
રાઘવ ચઢ્ઢાએ સરકારનો આભાર માન્યો
પાર્લમેન્ટમાં પણ ગિગ વર્કર્સની સમસ્યાઓનો મુદ્દો ઉઠાવનારા રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ આ નિર્ણય માટે સરકારનો આભાર માન્યો હતો. તેમણે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘સરકારે બહુ યોગ્ય સમયે આ મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. આ બહુ જરૂરી હતું, કેમ કે જ્યારે ડિલિવરી-રાઇડરના ટી-શર્ટ, જૅકેટ કે બૅગ પર ‘૧૦ મિનિટ ડિલિવરી’ લખ્યું હોય છે અને ગ્રાહકની સ્ક્રીન પર ટાઇમર ચાલતું હોય છે ત્યારે રાઇડર પર બહુ દબાણ ઊભું થાય છે. સત્યમેવ જયતે. આપણા બધાની જીત થઈ. છેલ્લા કેટલાક મહિનાઓમાં મેં સેંકડો ડિલિવરી-પાર્ટનર્સ સાથે વાત કરી છે. એમાંથી કેટલાક તો પોતાની ક્ષમતાથી વધુ કામ કરી રહ્યા છે. તેમને પૈસા પણ ખૂબ ઓછા મળે છે અને કંપનીનું અશક્ય પ્રૉમિસ પૂરું કરવાના ચક્કરમાં તેઓ પોતાનો જીવ જોખમમાં નાખે છે.’ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ એક આખો દિવસ બ્લિન્કિટના ડિલિવરી-પાર્ટનરની સાથે ડિલિવરીના કામનો અનુભવ લેવાનો પ્રયોગ કર્યો હતો.


