આત્મનિર્ભર ભારત હેઠળ ૮૨ ટકા હથિયારો સ્વદેશી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે અને સેનાને અત્યાધુનિક ઍર ડિફેન્સ સિસ્ટમ મળશે
રાજનાથ સિંહ
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની બેઠક સોમવારે યોજાઈ હતી. એમાં સશસ્ત્ર દળોની યુદ્ધક્ષમતા વધારવા માટે ૨.૧૨ લાખ કરોડ રૂપિયાનાં હથિયારોની ખરીદીને લીલી ઝંડી આપવામાં આવી હતી. સંરક્ષણ-મંત્રાલયના જણાવ્યા અનુસાર આમાંથી ૮૨ ટકા હથિયારો અને સાધનો સ્થાનિક ઉદ્યોગો પાસેથી જ ખરીદવામાં આવશે જેથી સશસ્ત્ર દળોની તાકાત વધુ મજબૂત બનશે. આ મંજૂરી અંતર્ગત સેના માટે K9 વજ્ર-T આર્ટિલરી ગન, હાઈ-મોબિલિટી વાહનો, કામિકાઝે ડ્રોન અને અત્યાધુનિક ઍર ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડિયન ઍર ફોર્સ (IAF) અને આર્મી માટે લાઇટ મલ્ટિ-રોલ હેલિકૉપ્ટર (LMRH) તેમ જ નેવી માટે ઍક્ટિવ ઑફ-બોર્ડ ડિકૉય સિસ્ટમની ખરીદી પણ સામેલ છે. LMRHનો ઉપયોગ સર્ચ-ઑપરેશન, બચાવકાર્ય અને સર્વેલન્સ માટે કરવામાં આવશે.
વધતું સંરક્ષણ-ઉત્પાદન નોંધનીય છે કે ભારતનું વાર્ષિક સંરક્ષણ-ઉત્પાદન નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં ૧.૭૮ લાખ કરોડ રૂપિયાની રેકૉર્ડ સપાટીએ પહોંચ્યું છે. સરકારનો લક્ષ્યાંક ૨૦૨૯-’૩૦ સુધીમાં સંરક્ષણ-ઉત્પાદન વધારીને ૩ લાખ કરોડ રૂપિયા અને નિકાસ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી લઈ જવાનો છે.
ADVERTISEMENT
અગાઉ સપ્ટેમ્બરમાં પણ DAC દ્વારા ૧.૧ લાખ કરોડ રૂપિયાની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી.
સિક્કિમમાં ચીની ઘૂસણખોરીના વાઇરલ વિડિયોને ભારતીય સેનાએ સદંતર નકલી ગણાવ્યો
ભારતીય સેનાના સત્તાવાર ફૅક્ટ ચેકિંગ યુનિટ દ્વારા ભારત અને ચીનની સરહદ નજીક ચીની વાહનોની ઘૂસણખોરીના ખોટા દાવાઓ વિશે દેશના નાગરિકોને ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર સિક્કિમના નાથુ લા પાસનો એક વિડિયો વાઇરલ કરીને એને ભારતીય વિસ્તારમાં ચીનની ગેરકાયદે ઘૂસણખોરી તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે સેનાએ સ્પષ્ટતા કરી છે કે આ વિડિયોમાં દેખાતાં વાહનો ચીની સેનાનાં નહીં પરંતુ JAC બ્રૅન્ડનાં કમર્શિયલ એટલે કે વેપારી વાહનો છે. વાસ્તવમાં નાથુ લા પાસ બન્ને દેશો વચ્ચેના વેપાર માટે માન્ય અને નિર્ધારિત સરહદી વિસ્તાર છે જ્યાં દ્વિપક્ષીય કરારો અને કડક નિયમો હેઠળ કાયદેસર રીતે વેપાર થાય છે.
