ઝેરી હવાથી દેશમાં દરરોજ ૪૬૫૭ લોકોના જીવ જાય છે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં વાયુ-પ્રદૂષણ હવે એક ગંભીર જાહેર આરોગ્ય સંકટ બની ગયું છે. વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં બોલતાં અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે દાવો કર્યો હતો કે પ્રદૂષિત હવા દેશમાં દર વર્ષે આશરે ૧૭ લાખ લોકોનાં મૃત્યુનું કારણ બને છે અથવા દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુ એનું પરિણામ છે. આનો અર્થ એ થયો કે તેમના દાવા મુજબ ભારતમાં દરરોજ સરેરાશ ૪૬૫૭ લોકો ઝેરી હવાને કારણે મૃત્યુ પામે છે.
અર્થતંત્ર પર મોટી અસર
ADVERTISEMENT
વાયુ-પ્રદૂષણ સંબંધિત બીમારીઓ ફક્ત હૉસ્પિટલો સુધી મર્યાદિત નથી. એ દેશની ઉત્પાદકતા અને અર્થતંત્રને પણ સીધી અસર કરે છે. એક અહેવાલ મુજબ ભારતને અકાળ મૃત્યુ અને પ્રદૂષણ સંબંધિત બીમારીઓને કારણે દર વર્ષે અબજો ડૉલરનું આર્થિક નુકસાન થાય છે. ફક્ત ૨૦૧૯માં પ્રદૂષણ સંબંધિત અકાળ મૃત્યુથી દેશને ૨૮ અબજ ડૉલરથી વધુનું નુકસાન થયું હતું, જ્યારે બીમારીઓથી આર્થિક નુકસાન ૮ અબજ ડૉલર થયું હોવાનો અંદાજ હતો. આ સંયુક્ત નુકસાન ૩૬.૮ અબજ ડૉલર અથવા ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના આશરે ૧.૩૬ ટકા જેટલું હતું.
PM2.5 સૌથી મોટો ખતરો
ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા વર્લ્ડ બૅન્કના અહેવાલમાં જણાવાયું છે કે ભારતની ૧૦૦ ટકા વસ્તી હાનિકારક પાર્ટિક્યુલેટ મૅટર (PM) 2.5 કણોના સંપર્કમાં છે. PM2.5ને સૌથી ખતરનાક વાયુ-પ્રદૂષક માનવામાં આવે છે જે બહુવિધ સ્રોતોમાંથી ઉત્સર્જિત થાય છે અને સીધું ફેફસાંમાં જાય છે જેનાથી નુકસાન થાય છે.
હૃદય, ફેફસાં, મગજ પર સીધી અસર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા મુજબ વાયુ-પ્રદૂષણ સ્ટ્રોક, હૃદયરોગ, ફેફસાંના ક્રોનિક રોગ, ફેફસાંનું કૅન્સર અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગોનું જોખમ વધારે છે. લાંબા ગાળાના જ નહીં, ટૂંકા ગાળાના અતિશય પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી પણ અસ્થમાના હુમલા, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાંની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. અભ્યાસ અનુસાર પ્રદૂષિત હવા ગર્ભવતી સ્ત્રીઓ માટે વધુ ખતરનાક બની શકે છે. એનાથી ઓછા વજનના બાળકનો જન્મ, અકાળે પ્રસૂતિ અને શિશુ-વિકાસમાં ક્ષતિ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
દર વર્ષે વધતી જતી કટોકટી
ધ લૅન્સેટ પ્લૅનેટરી હેલ્થ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ જો ભારતમાં હવાની ગુણવત્તા WHOના ધોરણોને પૂર્ણ કરે તો દર વર્ષે આશરે ૧૫ લાખ વધારાનાં મૃત્યુ અટકાવી શકાય છે. અહેવાલ મુજબ ફક્ત ફૉસિલ ફ્યુઅલના દહનથી વાર્ષિક આશરે ૭,૫૦,૦૦૦ મૃત્યુ થાય છે. આમાં કોલસાથી આશરે ૪,૦૦,૦૦૦ મૃત્યુ અને બાયોમાસ બાળવાથી આશરે ૩,૫૦,૦૦૦ મૃત્યુનો સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે પ્રદૂષિત હવાના ટૂંકા ગાળાના સંપર્કમાં આવવાથી પણ શ્વસન-સમસ્યાઓ, અસ્થમા અને ફેફસાંના કાર્યમાં ખલેલ પહોંચી શકે છે. લાંબા ગાળાના સંપર્કમાં રહેવાથી હૃદય, મગજ અને ફેફસાંના ગંભીર રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે.


