આ ડિવાઇસ તો અમીર લોકો માટેનું ફૅન્સી રમકડું છે અને વૈજ્ઞાનિક રીતે એ હજી ઉપયોગી સાબિત નથી થયું
દીપિન્દર ગોયલ
ઝોમાટોના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) દીપિન્દર ગોયલ તાજેતરમાં એક પૉડકાસ્ટમાં ‘ટેમ્પલ’ ડિવાઇસ પહેરીને આવ્યા હતા એના વિશે તમે ગઈ કાલે આ પાને વાંચ્યું. આ ડિવાઇસ મગજના બ્લડ-ફ્લોનું રિયલ ટાઇમ મૉનિટરિંગ કરશે એવું દીપિન્દરે અગાઉ જણાવ્યું હતું. જોકે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)-દિલ્હીના સિનિયર ડૉક્ટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) રિસર્ચર ડૉ. સુવર્ણકર દત્તાએ દીપિન્દરના દાવાઓને ફગાવી દીધા છે. સોશ્યલ મીડિયા પર આ ડિવાઇસની ચાલી રહેલી ચર્ચામાં ઝંપલાવીને ડૉ. સુવર્ણકર દત્તાએ જણાવ્યું હતું કે આ ડિવાઇસ તો અમીર લોકો માટેનું ફૅન્સી રમકડું છે અને વૈજ્ઞાનિક રીતે એ હજી ઉપયોગી સાબિત નથી થયું.
ડૉ. સુવર્ણકર દત્તાએ કહ્યું હતું કે ‘એક ડૉક્ટર, વૈજ્ઞાનિક અને આ વિષયના સંશોધક તરીકે હું તમને ખાતરી આપી શકું છું કે આ ડિવાઇસનો અત્યારે કોઈ જ વૈજ્ઞાનિક આધાર નથી. એનો કોઈ ઉપયોગ નથી. તમે મહેનતથી કમાયેલા પૈસા આવા ફૅન્સી રમકડા પાછળ બગાડશો નહીં. અરબપતિઓને આવાં ફૅન્સી રમકડાં પરવડી શકે. જો તમે એવા અરબપતિ હો તો ખરીદજો.’


