વિખ્યાત અભિનેતા સતીશ શાહની આ લાગણી આજે દેશભરમાં ચરમસીમાએ, આર્મીના નિવૃત્ત ઑફિસરોનો પણ આ મૅચ સામે વિરોધ
૫હલગામ અટૅકને ભૂલીને પાકિસ્તાન સાથે મૅચ રમાઈ રહી છે એનો સોશ્યલ મીડિયા પર વિવિધ રીતે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે
ઑપરેશન સિંદૂર તો મહિનાઓ પહેલાં સમાપ્ત થઈ ગયું છે, પણ એની અસર ક્રિકેટના મેદાનમાં દેખાઈ રહી છે. દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મૅચ રમાવાની છે, પણ આ મૅચના બહિષ્કારની હાકલ ચરમસીમાએ પહોંચી ગઈ છે. સામાન્ય રીતે જે મૅચ માટે રેકૉર્ડબ્રેક દર્શકો આતુર હોય ત્યાં આ વખતે ભારતના લોકો આ મૅચના બહિષ્કાર માટે એકજૂટ થયા છે. જુલાઈમાં મૅચની જાહેરાત બાદ આક્રોશ ફેલાયો હતો. હવે #BoycottIndvsPak જેવાં હૅશટૅગ્સ ફરી એક વાર સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. ઍક્ટરોથી લઈને અનુભવીઓ અને પત્રકારો અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ આ ભાવનાનો પડઘો પાડ્યો છે.
આ મુદ્દે ઍક્ટર સતીશ શાહે પોસ્ટ કર્યું હતું કે ‘હું દરેક દેશભક્ત અને સાચા ભારતીયને ભારત-પાકિસ્તાન મૅચનો બહિષ્કાર કરવાની નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું. બસ, ટીવી બંધ કરી દો. મેં આપણી ટીમ માટેનો આદર ગુમાવી દીધો છે.’ બીજી તરફ એક સન્માનિત સૈનિક મેજર માણિક એમ. જૉલી (નિવૃત્ત)એ કહ્યું હતું કે આ મૅચ ખાલી સ્ટેડિયમને પાત્ર છે.
ADVERTISEMENT

સતીશ શાહ
શૌર્ય ચક્ર પુરસ્કારવિજેતા મેજર પવનકુમાર (નિવૃત્ત)એ મીડિયા આઉટલેટ્સને આ મૅચને કવર કરવાથી દૂર રહેવાની વિનંતી કરીને કહ્યું હતું કે ‘કોઈ બ્રેકિંગ ન્યુઝ નહીં, કોઈ સ્કોર અપડેટ નહીં, કોઈ ટિકર નહીં. અમે જાણીએ છીએ કે તમે એનો બહિષ્કાર કરી શકતાં નથી, પરંતુ તમે ચોક્કસપણે એને ચૂપચાપ ટાળી શકો છો. આશા છે કે તમે બધા ૧૪૦ કરોડ ભારતીયોની લાગણીઓનો આદર કરશો.’
ઘણા લોકોએ સરકારની ટીકા પણ કરી છે અને નિર્દેશ કર્યો છે કે જનતા અને વિપક્ષના વધતા આક્રોશ છતાં એક પણ કેન્દ્રીય પ્રધાને ભારત-પાકિસ્તાન મૅચના મુદ્દા પર વાત કરી નથી.
બૉયકૉટ વિરુદ્ધ ઑલિમ્પિક્સ ડ્રીમ્સ
નિષ્ણાતોએ કહ્યું હતું કે ‘એશિયા કપનો મુકાબલો રદ કરવાથી ૨૦૩૬ની ઑલિમ્પિક્સનું આયોજન કરવાની ભારતની તકોને નુકસાન થઈ શકે છે. ઑલિમ્પિક ગેમ્સ માટે બોલી લગાવવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજવાનો રેકૉર્ડ જરૂરી છે. હાઈ-પ્રોફાઇલ મૅચોનો બહિષ્કાર કરવાથી ભારતને નુકસાન થઈ શકે છે. ઇન્ડોનેશિયા અને ટર્કી જેવા હરીફો પોતાની બોલી લગાવવાની તૈયારી કરી રહ્યા છે એટલે ભારત અવિશ્વસનીય દેખાવાનું સહન કરી શકે નહીં.’
અડધું સ્ટેડિયમ ખાલી, આયોજકોએ ભાવ ઘટાડ્યા
ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની આજની મૅચ માટે ઊંચી અપેક્ષાઓ ફક્ત કાગળ પર જ છે, કારણ કે દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં લગભગ અડધી ટિકિટો હજી સુધી વેચાઈ નથી. બ્લૉકબસ્ટર મૅચની ટિકિટોને મળેલા ઉદાસીન વલણ બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલે બેઠકો ભરાઈ જવાની આશાએ એની કિંમતમાં ઘટાડો કર્યો છે. સ્ટાન્ડર્ડ ટિકિટોના ભાવ શરૂઆતમાં ૪૭૫ દિરહામ (આશરે ૧૧,૪૨૦ રૂપિયા)થી ઘટાડીને ૩૫૦ દિરહામ (આશરે ૮૪૧૫ રૂપિયા) કરવામાં આવ્યા છે. જોકે એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ દાવો કર્યો હતો કે ટિકિટના ધીમા વેચાણના અહેવાલમાં કોઈ સત્ય નથી. ૨૦૨૫માં બીજી વખત દુબઈમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચનું આયોજન થયું છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બન્ને ટીમો ગ્રુપ-મૅચ માટે આ મેદાન પર ટકરાઈ હતી અને ચાર જ મિનિટમાં ટિકિટો વેચાઈ ગઈ હતી. આજની મૅચની ટિકિટો ૧૦ દિવસ પહેલાં જ વેચાણ માટે મૂકવામાં આવી હતી છતાં અડધી ટિકિટો વેચાઈ છે. લગભગ ૫૦ ટકા બેઠકો ઉપલબ્ધ છે. સ્ટાન્ડર્ડ બેઠકો માટે કિંમત ૯૯ ડૉલરથી લઈને પ્રીમિયમ બેઠકો માટે ૪૫૩૪ ડૉલર (લગભગ ૪ લાખ રૂપિયા) સુધીની છે.


