આતિશીએ કહ્યું, BJP પાસે ટ્રિપલ એન્જિનની સરકાર ચલાવવાની તક
આતિશી માર્લેના
આમ આદમી પાર્ટીએ મોટી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટીએ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન (MCD)ની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ અંગેની જાહેરાત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આતિશી અને દિલ્હીના APPના સંયોજક સૌરભ ભારદ્વાજે કરી હતી. મેયર અને ડેપ્યુટી મેયરપદની ચૂંટણી ૨૫ એપ્રિલે યોજાશે.
આતિશીએ જણાવ્યું હતું કે ‘BJP જ્યાં-જ્યાં ચૂંટણી હારે છે ત્યાં ષડયંત્રો રચીને અન્ય પક્ષને તોડે છે અને સરકાર બનાવે છે. MCDમાં રી-યુનિફિકેશન કરાવીને વૉર્ડ ૨૭૨થી ઘટાડીને ૨૫૦ કર્યા, ચૂંટણીમાં વિલંબ કર્યો, ડી-લિમિટેશન લાગુ કર્યું. ગુજરાત, ગોવા, કર્ણાટક સહિત કોઈ પણ રાજ્ય જોઈ લો. તેમણે આ પ્રકારનું ષડયંત્ર રચીને રાજકારણ કર્યું છે. અમે આ પ્રકારનું રાજકારણ રમવા માગતા નથી. BJP MCDમાં પોતાની સરકાર બનાવે. કેન્દ્ર અને રાજ્યમાં તેમની સરકાર છે એટલે હવે એને ટ્રિપલ સરકાર ચલાવવાની તક મળી રહી છે.’

