૨૦૨૨ના નવેમ્બરમાં હૈદરાબાદમાં પણ ૫૦ વર્ષની એક મહિલાને આવો સ્ટ્રોક આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકના બલ્લારીમાં પાર્લરમાં વાળ કાપનારા કારીગરે મફતમાં જોરદાર હેડ-મસાજ કરતાં ૩૦ વર્ષના રામકુમાર નામના યુવાનને સ્ટ્રોક આવ્યો હતો અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ કારીગરે તેના ગળાના હિસ્સાને આમતેમ મરોડીને મસાજ આપ્યો હતો જે ઈજામાં પરિણમ્યો હતો.
રામકુમાર હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરે છે અને આશરે બે મહિના પહેલાં વાળ કાપ્યા બાદ અપાયેલા હેડમસાજ વખતે તેને ગળામાં દુખાવો થયો હતો, પણ તેણે એ ગણકાર્યો નહોતો અને ઘરે જતો રહ્યો હતો. થોડા કલાક બાદ તે બોલી શકતો નહોતો અને માથાના ડાબા ભાગમાં તેને દુખાવો શરૂ થયો હતો. તે તાત્કાલિક હૉસ્પિટલમાં ગયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને કહ્યું હતું કે તેને સ્ટ્રોક આવ્યો છે. મસાજ વખતે માથું આમ-તેમ મરડવાને કારણે તેની કૅરોટિડ આર્ટરીમાં ઈજા પહોંચી છે. એના કારણે મગજમાં જતા લોહીના પુરવઠાને અસર પડી છે. મગજમાં લોહીની ગાંઠો ન થઈ જાય એ માટે તેને દવાઓ આપવામાં આવી હતી. આશરે બે મહિનાની સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ મુદ્દે ડૉક્ટરોએ કહ્યું હતું કે સમયસર સારવારને કારણે તેનો જીવ બચી ગયો હતો. અણઘડ પ્રકારના મસાજથી તેના મગજને પણ અસર પડી હતી. ગળાની આમ-તેમ મરોડબાજીથી મગજને લોહીનો પુરવઠો પૂરો પાડતી નસો દબાઈ જાય છે અને એ ગંભીર પ્રકારનો ખતરો ઊભો કરી શકે છે. ૨૦૨૨ના નવેમ્બરમાં હૈદરાબાદમાં પણ ૫૦ વર્ષની એક મહિલાને આવો સ્ટ્રોક આવ્યો હતો.