આ મુદ્દે નાગોડ પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ અશોક પાંડેએ જણાવ્યું હતું કે ‘મંગળવારે બપોરે બનેલી ઘટનાનો આ વિડિયો સાચો છે કે નહીં એની અમે તપાસ કરી રહ્યા છીએ.`
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં નાગોડ ગામમાં એક નદીમાં ગાયોને ફેંકવાનો વિડિયો વાઇરલ થયા બાદ પોલીસે ચાર જણ સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. આ કેસમાં આશરે ૫૦ ગાયને નદીમાં ફેંકી દેવામાં આવી હતી જેમાંથી ૧૫થી ૨૦ ગાયનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
આ મુદ્દે નાગોડ પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ અશોક પાંડેએ જણાવ્યું હતું કે ‘મંગળવારે બપોરે બનેલી ઘટનાનો આ વિડિયો સાચો છે કે નહીં એની અમે તપાસ કરી રહ્યા છીએ. વાઇરલ વિડિયોમાં સતના નદીમાં રેલવે બ્રિજની નીચેથી કેટલાક લોકો ગાયને નદીમાં ફેંકી રહ્યા હોવાનું દેખાય છે. ઘટનાસ્થળે પોલીસને મોકલીને જાણકારી મેળવવામાં આવ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો છે. બેટા બાગરી, રવિ બાગરી, રામપાલ ચૌધરી અને રાજુ ચૌધરી એમ ચાર જણ સામે મધ્ય પ્રદેશ ગૌવંશ વધ પ્રતિષેધ અધિનિયમ અને ભારતીય ન્યાયસંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગાયોને બચાવી લેવાનું રેસ્ક્યુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તપાસ બાદ હકીકત બહાર આવશે.’


