CBIએ દાખલ કરી ચાર્જશીટ, ૩ ભારતીયોની ધરપકડ પછી ૨૦૨૦થી ચાલતી છેતરપિંડીનો થયો હતો પર્દાફાશ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ૪ ચાઇનીઝ નાગરિકો સહિત ૧૭ વ્યક્તિ અને ૫૮ કંપનીઓ સામે આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રૉડ નેટવર્કમાં સંડોવણી બદલ ચાર્જશીટ દાખલ કરી છે. આ ફ્રૉડમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમની ઉચાપત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ કાર્યરત I4C (ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઑર્ડિનેશન સેન્ટર) તરફથી મળેલા ઇનપુટ્સના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. આ વર્ષે ઑક્ટોબર મહિનામાં ગૅન્ગનો પર્દાફાશ કર્યા પછી તપાસ-અધિકારીઓએ ૩ ભારતીયોની ધરપકડ કરી હતી અને શોધી કાઢ્યું હતું કે આ એક સુનિયોજિત અને સંગઠિત સિન્ડિકેટ હતી જેણે જટિલ ડિજિટલ અને નાણાકીય સિસ્ટમોનો ઉપયોગ કરીને વિવિધ છેતરપિંડી કરી હતી. એવો આરોપ છે કે આ શેલ કંપનીઓ ૪ ચાઇનીઝ ઑપરેટરોના નિર્દેશો પર સ્થાપિત કરવામાં આવી હતી.
કેવી રીતે છેતરપિંડી કરી?
ગૅન્ગની છેતરપિંડીની પદ્ધતિઓમાં લોન-અરજીઓ, નકલી રોકાણ-યોજનાઓ, પૉન્ઝી અને મલ્ટિ-લેવલ માર્કેટિંગ મૉડલો, છેતરપિંડીભરી પાર્ટટાઇમ નોકરીની ઑફરો અને નકલી ઑનલાઇન ગેમિંગ પ્લૅટફૉર્મનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
તપાસ-એજન્સીના અંતિમ અહેવાલ મુજબ ગૅન્ગે ૧૧૧ શેલ કંપનીઓ દ્વારા ગેરકાયદે ભંડોળની હિલચાલ છુપાવી હતી અને બીજાનાં અકાઉન્ટ્સ દ્વારા આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાનું મની-લૉન્ડરિંગ કર્યું હતું. એક અકાઉન્ટે ટૂંકા ગાળામાં ૧૫૨ કરોડ રૂપિયાથી વધુ એકઠા કર્યા હતા.
કોરોના મહામારી વખતે શરૂ થઈ
આ શેલ કંપનીઓ ડમી ડિરેક્ટરો, બનાવટી અથવા ગેરમાર્ગે દોરનારા દસ્તાવેજો, નકલી સરનામાં અને વ્યાવસાયિક હેતુઓ વિશે ખોટા ઍફિડેવિટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. આ ગૅન્ગે ૨૦૨૦માં આ છેતરપિંડી શરૂ કરી હતી, જ્યારે આખો દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો.
અજાણી વ્યક્તિઓના દસ્તાવેજો
૪ ચાઇનીઝ ઑપરેટરોના ભારતીય સહયોગીઓએ અજાણી વ્યક્તિઓ પાસેથી ઓળખ-દસ્તાવેજો મેળવ્યા હતા અને આ દસ્તાવેજોનો ઉપયોગ શેલ કંપનીઓના નેટવર્ક અને મની-લૉન્ડરિંગ માટે બનાવેલાં અકાઉન્ટ્સ બનાવવા માટે કર્યો હતો. આ ખાતાંઓનો ઉપયોગ કૌભાંડોની આવકને વિદેશ મોકલવા અને નાણાકીય વ્યવહારોની ટ્રેસેબિલિટી છુપાવવા માટે કરવામાં આવતો હતો. તપાસમાં સંદેશવ્યવહાર લિન્ક્સ અને ઑપરેશનલ કન્ટ્રોલનો ખુલાસો થયો હતો, જે વિદેશથી છેતરપિંડી નેટવર્ક ચલાવતા ચાઇનીઝ માસ્ટરમાઇન્ડની ભૂમિકા સ્થાપિત કરે છે.


