એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. ભારતમાં ફૅમિલી બિઝનેસ (કૌટુંબિક વ્યવસાય) અનેક સદીઓથી ચાલતા આવ્યા છે. જોકે અનેક વખત દેશના કેટલાક અગ્રણી ફૅમિલી બિઝનેસ કૌટુંબિક વિવાદ અથવા કોઈ બીજા કારણોને લીધે જુદા થયા હોવાના પણ અનેક ઉદાહરણ જોવા મળ્યા છે. બાપ-દાદાના સમયથી ચાલી રહેલા વ્યવસાયો અલગ થાય છે અથવા આગળ વધે છે. તો આવી બધી પરિસ્થિતીમાં શું કરવું? અથવા ફૅમિલી બિઝનેસને કઈ રીતે ટકાવી રાખવો અથવા જો તેમાં ભાગલા પાડવાનો વખત આવે તો શું ધ્યાન રાખવું તે બાબતે આજના આપણા ‘મૅન્ટાસ્ટિક’ તત્વમસિ દીક્ષિતે અનેક લોકોને મહત્ત્વનું અને સરળ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો ચાલો જાણીએ કે તેઓ કેવી રીતે કૌટુંબિક વ્યવસાયમાં પ્રોફેશનલ કન્સલ્ટિંગ પૂરું પાડે છે.
03 December, 2025 03:40 IST | Mumbai | Viren Chhaya