પહેલાં કેટલાક લોકો રેન્ટના નામે પોતાના દોસ્તો કે સંબંધીઓના ખાતામાં ક્રેડિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા.
પ્રતીકાત્મક તસવીર
જો તમે PhonePe, Paytm, CRED કે Amazon Pay જેવી ફિનટેક કંપનીઓની મોબાઇલ ઍપ્સ દ્વારા ક્રેડિટ કાર્ડ વાપરીને ઘરનું ભાડું ચૂકવતા હો તો એ હવે નહીં થઈ શકે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ નવો નિયમ કાઢ્યો છે જે અંતર્ગત ફિનટેક પ્લૅટફૉર્મ્સે પોતાની ઍપ્સ પર ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટની સર્વિસ બંધ કરવી પડશે.
RBIએ રેન્ટ-સર્વિસ માટે નવો સર્ક્યુલર જાહેર કરીને કહ્યું છે કે ‘પેમેન્ટ ઍગ્રિગેટર્સ કે પેમેન્ટ ગેટવે હવે માત્ર એ વ્યાપારિક લેણદેણ જ કરી શકશે જેની સાથે તેમનો ડાયરેક્ટ કૉન્ટૅક્ટ હોય અથવા જેનું નો યૉર કસ્ટમર (KYC) થઈ ચૂક્યું હોય. મકાનમાલિક રજિસ્ટર્ડ મર્ચન્ટ નથી હોતો એટલે આ પ્લૅટફૉર્મ દ્વારા ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ નહીં આપી શકાય.’
ADVERTISEMENT
આવું કેમ કરવું પડ્યું?
પહેલાં કેટલાક લોકો રેન્ટના નામે પોતાના દોસ્તો કે સંબંધીઓના ખાતામાં ક્રેડિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા. ઍપથી તરત એ પૈસા ટ્રાન્સફર થઈ જતા હતા અને તમને રિવૉર્ડ પૉઇન્ટ કે કૅશબૅક મળી જતું હતું. જોકે RBIને આ સિસ્ટમ યોગ્ય નથી લાગતી, કેમ કે મકાનમાલિકોનું પૂરું KYC નથી થતું. ફિનટેક કંપનીઓ વચેટિયા માર્કેટપ્લેસની જેમ કામ કરતી હતી એ ગેરકાનૂની છે.


