કોર્ટે નોંધ્યું હતું કે મની લૉન્ડરિંગ એ ગેરકાયદે રીતે મેળવેલાં નાણાંને કાયદેસર અથવા સ્પષ્ટ દેખાડવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે યસ બૅન્ક મની લૉન્ડરિંગ કેસમાં રિયલ્ટર સંજય છાબરિયાને ડિફૉલ્ટ જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે મની લૉન્ડરિંગ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે એવું જણાવ્યું હતું.
જસ્ટિસ એમ. એસ. કર્ણિકની સિંગલ બેન્ચે નવમી ઑક્ટોબરે છાબરિયાની ડિફૉલ્ટ જામીનની અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મેન્ડેટરી ૬૦ દિવસના સમયગાળાની અંદર તેની સામેની કાર્યવાહીની ફરિયાદ સબમિટ કરી હતી તેમ જ આ કેસમાં વધુ તપાસ હાથ ધરવા માટે સ્પેશ્યલ કોર્ટની પરવાનગી પણ માગી હતી.
ADVERTISEMENT
કોર્ટે જણાવ્યું હતું કે ‘આરોપીને બંધારણની કલમ ૨૧ (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) હેઠળ બેશક ફેર ટ્રાયલનો અધિકાર છે. એ જ રીતે ઈડીની ફરજ છે કે એ ગુના સંદર્ભે એક વ્યાપક અને સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન કરે.’
કોર્ટે નોંધ્યું હતું કે મની લૉન્ડરિંગ એ ગેરકાયદે રીતે મેળવેલાં નાણાંને કાયદેસર અથવા સ્પષ્ટ દેખાડવાની પ્રક્રિયાનો સંદર્ભ આપે છે. એનું અંતિમ ધ્યેય ગેરકાયદે ફન્ડને કાયદેસર નાણાકીય સિસ્ટમમાં ફેરવવાનું છે, જે ઑથોરિટી માટે ટ્રેસ કરવાનું અને આવક જપ્ત કરવાનું કામ પડકારરૂપ બનાવે છે.
સંજય છાબરિયાએ યસ બૅન્કના ફાઉન્ડર રાણા કપૂર અને દીવાન હાઉસિંગ ફાઇનૅન્સ લિમિટેડના પ્રમોટર કપિલ વાધવાન દ્વારા ગેરકાયદે રીતે મેળવેલા ફન્ડને ડાયવર્ટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ મામલે સંજય છાબરિયાની ઈડી દ્વારા ૭ જૂન ૨૦૨૨ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.


