આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એમટીએચએલ, બાંદરા-વરલી સી લિન્ક અને કોસ્ટલ રોડને સાંકળશે જેને કારણે ઘણી રાહત થશે મોટરિસ્ટોને
વરલી-શિવડી એલિવેટેડ કનેક્ટર પાસે વિવિધ પૉઇન્ટ્સ પર કામ ચાલી રહ્યું છે
4.5 - કનેક્ટર આટલાં કિલોમીટર લાંબો છે
જો પ્લાન સુપેરે પાર પડ્યો, તો વરલી-શિવડી એલિવેટેડ કનેક્ટર (ડબ્લ્યુએસઈસી) ૧૮ મહિનામાં ટ્રાફિકથી ધમધમતું થઈ જશે. આ કનેક્ટર મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (એમટીએચએલ), બાંદરા-વરલી સી લિન્ક અને કોસ્ટલ રોડ વચ્ચે સીધી અને સિગ્નલ-ફ્રી કનેક્ટિવિટી પૂરી પાડશે.
ADVERTISEMENT
મેટ્રોપોલિટન કમિશનર એસ. વી. આર. શ્રીનિવાસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું, ‘વરલી-શિવડી એલિવેટેડ કનેક્ટર પરનું કામ ઝડપથી આગળ ધપી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૨૪ ટકા કામ પૂરું થયું છે.’
મુંબઈમાં તમામ મહત્ત્વનાં પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ પડકારરૂપ હોય છે, ત્યારે આ કનેક્ટર ઝૂંપડપટ્ટી અને સેસ્ડ બિલ્ડિંગ્ઝ સહિતના ગીચ વિસ્તારોમાંથી પસાર થતું હોવાથી કામ ઘણું જટિલ છે. એક જગ્યાએ એલિવેટેડ કનેક્ટર મોનોરેલને પણ પસાર કરશે.
પ્રોજેક્ટ માટેની મધ્યવર્તી સંસ્થા મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ સાડાચાર કિલોમીટર લાંબા એલિવેટેડ કનેક્ટરના બાંધકામનો કૉન્ટ્રૅક્ટ નવેમ્બર, ૨૦૨૦માં ફાળવ્યો હતો.
મુંબઈ તરફથી એમટીએચએલ માટેનો ટ્રાફિક વિખેરવા માટે આ કનેક્ટર બનાવાઈ રહ્યું છે. વરલી -શિવડી લિન્કનું અલાઇનમેન્ટ એમટીએચએલના શિવડી ઇન્ટરચેન્જ સેક્શન પર શરૂ થાય છે, એ હાર્બર રેલવેલાઇન, આચાર્ય ડોંડે માર્ગ, ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પરનો ફ્લાયઓવર, એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન પર સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવેલાઇન, સેનાપતિ બાપટ રોડ પરનો ફ્લાયઓવર, જગન્નાથ ભાટણકર રોડ, કામગરનગર અને ડૉ. એની બેસન્ટ રોડ પસાર કરીને વરલીના નારાયણ હર્ડિકર રોડ પર પૂરો થાય છે.
આ પ્રોજેક્ટ આર. એ. કિડવાઈ માર્ગ અને એ. ડી. માર્ગ પર હાલની રોડ નેટવર્ક કનેક્ટિવિટી માટે અપ અને ડાઉન રૅમ્પ્સને આવરી લેશે.
આ પ્રોજેક્ટ મોનોરેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ અને સેનાપતિ બાપટ રોડ પરના ફ્લાયઓવર પરથી પસાર થાય છે.


