મહિલાનું કહેવું છે કે વ્યંડળે મને હિપ્નોટાઇઝ કરી હતી. પંતનગર પોલીસમાં આ બાબતે ફરિયાદ કરવામાં આવતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
વ્યંડળ દ્વારા છેતરપિંડી થઈ હોવાની જાણ બિલ્ડિંગના રહેવાસીઓને થતાં બધા નીચે કમ્પાઉન્ડમાં દોડી આવ્યા હતા.
ઘાટકોપર-ઈસ્ટમાં ગઈ કાલે સવારે એક આધેડ મહિલાને વ્યડંળે છેતરીને તેમની પાસેથી રોકડ અને દાગીના મળીને ચાર લાખ રૂપિયાની મતા પડાવી લીધી હતી. મહિલાનું કહેવું છે કે વ્યંડળે મને હિપ્નોટાઇઝ કરી હતી. પંતનગર પોલીસમાં આ બાબતે ફરિયાદ કરવામાં આવતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
છેતરપિંડીના આ બનાવની વિગતો આપતાં પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેશ કેવળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેતરપિંડીનો આ બનાવ સવારે ૮ વાગ્યે કંચન ગંગા સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં ૫૦ વર્ષનાં મનીષા વ્યાસ સાથે બન્યો હતો. ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર તે સવારે ઘરમાં સાફસફાઈ કરી રહી હતી. ઘરના બીજા સભ્યો બીજા રૂમમાં સૂતા હતા ત્યારે બેલ વાગતાં દૂધવાળો આવ્યો હશે એમ માનીને તેમણે દરવાજો ખોલ્યો હતો, સામે વ્યંડળ હતો. તેણે પાણી માગ્યું હતું અને પછી વાતો કરતાં-કરતાં મહિલાની આંખોમાં જોઈને તેમને હિપ્નોટાઇઝ કર્યાં હતાં. ત્યાર બાદ વ્યડંળના કહેવાથી તેમણે રોકડ અને દાગીના મળી ચાર લાખની મતા તેને આપી દીધી હતી. એ લઈને વ્યંડળે ચાલતી પકડી હતી. તેના ગયા પછી ભાનમાં આવેલાં મનીષા વ્યાસે બીજા રૂમમાં સૂતેલા પતિને બૂમ પાડીને જગાડ્યા હતા અને વિગત જણાવી હતી. એ પછી અમને જાણ કરવામાં આવતાં અમે સ્પૉટ પર પહોંચ્યા હતા અને તપાસ ચાલુ કરી હતી. તેમણે આપેલી ફરિયાદના આધારે હાલ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવાઈ રહી છે.’
ADVERTISEMENT
પોલીસને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાંથી તે વ્યંડળની કોઈ તસવીર મળી છે? કોઈ કડી મળી છે? એવો સવાલ જ્યારે કરવામાં આવ્યો ત્યારે રાજેશ કેવળેએ કહ્યું હતું કે ‘એ એક મોટું કમ્પાઉન્ડ છે જેમાં ૮-૧૦ બિલ્ડિંગ છે અને દરેકની સોસાયટી અલગ-અલગ છે. સોસાયટીઓમાં CCTV કૅમેરા નથી અને સિક્યૉરિટી ગાર્ડ પણ નથી. અમે જનજાગૃતિના કાર્યક્રમ હેઠળ તેમની સોસાયટીમાં ગયા હતા અને સેફ્ટી માટે CCTV કૅમેરા લગાડવા કહ્યું હતું. જોકે એ પછી પણ તેમણે CCTV કૅમેરા લગાડ્યા નથી. અમે હાલ છેતરપિંડી કરીને નાસી ગયેલા એ વ્યંડળ વિશે વધુ વિગતો એકઠી કરીને તેની શોધ ચલાવી રહ્યા છીએ.’

