સામાજિક કાર્યકર અંજલિ દમણિયાને મળેલા અશોક ખરાતના CDRના સંદર્ભમાં સંજય રાઉતનો દાવો
અશોક ખરાત
અશોક ખરાત પ્રકરણમાં સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ દાવો કર્યો હતો કે તેના કૉલ ડીટેલ રેકૉર્ડ (CDR) મેળવ્યા છે અને એની વિગતો પણ જાહેર કરી હતી. જોકે એ સંદર્ભે હવે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રેસ-કૉન્ફરન્સ લીધી હતી અને કહ્યું હતું કે ‘આવી માહિતી મુખ્ય પ્રધાનની ઑફિસ સિવાય બીજા કોઈ પાસેથી મળી ન શકે. એના (અશોક ખરાતના) સંબધ ભારતીય જનતા પાર્ટી (BJP) અને એના નેતાઓ સાથે છે જ જેને તમે નકારી ન જ શકો. એમ છતાં જો એ માહિતી સરકાર દ્વારા બહાર અપાતી હોય તો એનો અર્થ એ થયો કે સરકારના ટાર્ગેટ પર કોઈક તો છે. દેવેન્દ્ર ફડણવીસના ટાર્ગેટ પર કોઈ છે અને તેમણે નિશાન તાકી દીધું છે. થોડા વખતમાં ખબર પડી જશે કે નિશાન કોના પર હતું.’
અશોક ખરાતના ત્રણમાંથી બે મોબાઇલના ડેટા રિકવરઃ હવાલા રૅકેટ સાથે સંકળાયેલો હોવાની શંકા
ADVERTISEMENT
મહિલાઓ પર અત્યાચાર અને અનેક લોકો સાથે છેતરપિંડીના આરોપ ધરાવતા નાશિકના વગદાર ઢોંગીબાબા અશોક ખરાતના ત્રણ મોબાઇલ ફોન સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ જપ્ત કર્યા છે જેમાંથી બે મોબાઇલના ડેટા રિકવર કરી લેવામાં આવ્યા છે. એ તપાસ અંતર્ગત મળેલી માહિતી જોતાં SITને શંકા છે કે અશોક ખરાત હવાલા કૌભાંડમાં સંકળાયેલો હોઈ શકે.
અશોક ખરાતના એક મોબાઇલમાં તેના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA)ના ઘરે ૧૦ કલાક ચાલેલી પૂજાનાં રેકૉર્ડિંગ છે. એ પૂજામાં ભારત અને દુબઈમાં ધંધો કરતા એક મોટા જ્વેલરનો સહભાગ હોવાનું જાણવા મળ્યું છે. એ જ્વેલર કમર્શિયલ વપરાતા સોનાના હૉલમાર્ક કરવાની કંપની ધરાવે છે. તેની મદદથી અશોક ખરાત હવાલા રૅકેટ ચલાવતો હોવાની SITને શંકા છે. બ્લૅક મનીને વાઇટમાં કન્વર્ટ કરવા જ્વેલર અને અન્ય વેપારીઓનો ઉપયોગ અશોક ખરાત કરતો હોવાની SITને શંકા છે. CAના ઘરે થયેલી પૂજા અશોક ખરાતની દોરવણી હેઠળ થઈ હતી જેમાં ઘણા બધા ભક્તો આવ્યા હોવાનું જણાયું હતું. અશોક ખરાત ભક્તોને પૂજા કરવા જણાવતો અને ત્યાર બાદ તેમને લાખો રૂપિયાની વિવિધ નંગની વીંટી લેવા મજબૂર કરતો. મોબાઇલના ડેટામાં અશોક ખરાત સાથે બીજા પણ કેટલાક લોકો છે જેઓ જમીનની લે-વેચ કરતા હોવાનું અને વ્યાજે પૈસા ફેરવતા હોવાનુ જણાયું છે.
