લવ જેહાદ અને ધર્માંતરવિરોધી કાયદો રાજ્ય સહિત દેશભરમાં લાવવામાં આવે એવી માગણી સાથે આજે હિન્દુ સમાજ દ્વારા શિવાજી પાર્કમાં મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : લવ જેહાદ અને ધર્માંતરવિરોધી કાયદો રાજ્ય સહિત દેશભરમાં લાવવામાં આવે એવી માગણી સાથે આજે હિન્દુ સમાજ દ્વારા શિવાજી પાર્કમાં મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોરચામાં લવ જેહાદનો ભોગ બનેલી ૧૦થી ૧૨ યુવતીઓ આપવીતી કહેશે. આ મોરચામાં ૮૦,૦૦૦ લોકો સામેલ થવાની શક્યતા છે.
સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે દાદરમાં આવેલા શિવાજી પાર્કમાં લવ અને લૅન્ડ જેહાદની સાથે ધર્માંતરવિરોધી કાયદો લાવવાની માગણી સાથે એક વિશાળ મોરચાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવાજી પાર્કમાં બધા સવારના ૧૦ વાગ્યે એકત્રિત થશે અને ત્યાંથી પ્રભાદેવી પાસેના કામગાર સ્ટેડિયમ સુધી મોરચો કાઢવામાં આવશે. આ સ્ટેડિયમમાં સભા થશે જ્યાં લવ જેહાદનો ભોગ બનેલી મુંબઈની ૧૦થી ૧૨ યુવતીઓ મીડિયા સાથે વાત કરશે.
આ વિશે આ મોરચાના મીડિયા પ્રભારી ડી. કે. સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયમાં મુસ્લિમ યુવાનો ખોટાં નામ ધારણ કરીને હિન્દુ યુવતીઓને ફસાવવાના કેસ બન્યા છે. લગ્ન કર્યા બાદ આ હિન્દુ યુવતીઓને ઇસ્લામ ધર્મ પાળવા મજબૂર કરવામાં આવે છે. કોઈ એમ કરવાની ના પાડે તો તેને ત્યજી દેવામાં આવે છે. રાજ્યમાં આવું ન થાય એ માટે લવ જેહાદ અને ધર્માંતરવિરોધી કાયદો લાવવાની માગણી ઘણા સમયથી હિન્દુ સંગઠનો કરી રહ્યાં છે. રાજ્યના તાજેતરમાં પૂરા થયેલા શિયાળુ સત્રમાં આવા કાયદાનો પ્રસ્તાવ થવાનો હતો, પરંતુ સરકાર એ લાવી નથી શકી. રાજ્યભરમાં આ સંબંધે વિવિધ હિન્દુ સંગઠનોએ અનેક મોરચા અને રૅલી યોજી હતી. હવે અમે મુંબઈમાં લવ જેહાદથી પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે આયોજિત રૅલી અને સભામાં ૧૦થી ૧૨ હિન્દુ યુવતીઓ તેઓ કેવી રીતે ફસાઈ અને તેમના પર શું જુલમ ગુજારવામાં આવ્યો છે એ વિશે જાહેરમાં વાત કરશે.’