સુરતમાં હીરાના વેપારીએ માલ વેચાતો ન હોવાથી કંટાળીને ૨૫૦૦ કૅરૅટ હીરા ફેંકી દીધા હોવાનો વિડિયો વાયરલ થયા બાદ લોકો એ શોધવા ઊમટી પડ્યા
ગઈ કાલે સુરતના મિની બજાર વિસ્તારમાં રસ્તા પરથી હીરા શોધી રહેલા લોકો
જોકે પછી ખબર પડી કે હીરા જેવા દેખાતા એ ટુકડા અસલી કે નકલી હીરા નહીં, પણ ઇમિટેશન જ્વેલરી તેમ જ સાડી-ડ્રેસમાં ચોંટાડવામાં આવતા કાચના ટુકડા હતા
સુરતમાં વરાછા રોડ પર આવેલી હીરાની મિની બજાર રવિવારે બંધ હોય છે એટલે એ સામાન્ય સંજોગોમાં સૂમસામ રહે છે. જોકે ગઈ કાલે મિની બજાર ખાતેના માનગઢ ચોક અને ભાતની વાડી પાસે અસંખ્ય લોકો રસ્તામાં હીરા શોધવા માટે ઊમટી પડ્યા હતા. મિની બજારથી બેથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ખોડિયારનગર સુધીના રસ્તામાં હીરાના કોઈક વેપારીએ માલ વેચાતો ન હોવાથી કંટાળીને ૨૫૦૦ કૅરૅટ હીરા ફેંકી દીધા હોવાનો એક વિડિયો વાયરલ થયા બાદ લોકો હીરા શોધવા માટે રસ્તામાં ઊતરી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાદમાં ખ્યાલ આવ્યો હતો કે રસ્તામાંથી હાથ લાગેલા હીરા જેવા દેખાતા ટુકડા અસલી કે નકલી હીરા નહીં, પણ ઇમિટેશન જ્વેલરી તેમ જ સાડી-ડ્રેસમાં ચોંટાડવામાં આવતા કાચના ટુકડા છે. સુરતની હીરાબજારને બદનામ કરવા માટે કોઈકે હીરાનું પડીકું ફેંકી દીધું હોવાની મજાક કરી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
સુરતમાં ગઈ કાલે સવારના એક વિડિયો વાયરલ થયો હતો જેમાં કોઈક બોલી રહ્યું છે કે અત્યારે સવારના ૯.૧૦ વાગ્યા છે. હીરાના ધંધામાં મંદી આવવાથી કંટાળીને કોઈ વેપારીએ મિની બજારમાં હીરાનું પૅકેટ ફેંકી દીધું છે. હીરાના ધંધા સાથે સંકળાયેલા લોકોએ આજની સ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ. વિડિયોમાં અનેક લોકો રસ્તામાં બેસીને હીરા શોધી રહ્યા હોય એવું દેખાય છે.
આ વિડિયો વાયરલ થયા બાદ મિની બજારથી લઈને ખોડિયારનગર સુધીના રસ્તામાં લોકો હીરા શોધવા માટે ઊતર્યા હતા અને આખો રસ્તો ખૂંદી વળ્યા હતા.
ફેંકી દેવામાં આવેલા હીરા હાથ લાગે તો થોડી કડકી દૂર થઈ જશે એમ વિચારીને લોકો હીરા શોધવા માટે રસ્તામાં પડાપડી કરતા જોવા મળ્યા હતા. રસ્તામાં અનેક જગ્યાએ લોકો હાથમાં ઝાડુ કે બ્રશ લઈને રસ્તાની ધૂળ ખંખોળતા જોવા મળ્યા હતા.
કેટલાક લોકોના હાથમાં હીરા લાગ્યા હતા. જોકે તેમણે ચકાસતાં એ એમ્બ્રૉઇડરીમાં સાડી-ડ્રેસમાં ચોંટાડવામાં આવતા કાચના ટુકડા હોવાનું જણાયું હતું. તો કોઈકે કહ્યું હતું કે આ અમેરિકન ડાયમન્ડ છે. રિયલ ડાયમન્ડ કે સારી ક્વૉલિટીના સિન્થેટિક ડાયમન્ડ નથી, પણ ઇમિટેશન જ્વેલરીમાં વપરાતા સાવ મામૂલી કિંમતના હીરા હોવાનું પણ કોઈકે કહ્યું હતું. લોકોએ થોડો સમય રસ્તામાં હીરા શોધવાનું ચાલુ રાખ્યું હતું અને બાદમાં બધા વિખેરાઈ ગયા હતા.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ હીરાના ધંધાને ગંભીર અસર પહોંચી છે અને છેલ્લા કેટલાય મહિનાથી મંદી છે. આવા સમયે તૈયાર હીરાનો કોઈ લેવાલ ન મળતાં વેપારીઓ પરેશાન થઈ ગયા છે એટલે કોઈકે હીરા ફેંકી દીધા હોવાની વાતને લોકોએ સાચી માની લીધી હતી અને તેઓ હીરા શોધવા માટે ઊમટ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
મજાક કરનારાને સજા થવી જોઈએ
ઇન્ડિયન ડાયમન્ડ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન તેમ જ સુરત ડાયમન્ડ અસોસિએશનના કમિટી મેમ્બર દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડાયમન્ડ ટ્રેડિંગ કરવા માટેની અહીંની મિની બજાર રવિવારે બંધ હોય છે. આજે સવારે અહીં અમેરિકન એટલે કે એકદમ મામૂલી કિંમતના હીરા રસ્તામાં જોવા મળ્યા હતા. હકીકતમાં આ હીરા પણ નથી. ઇમિટેશન જ્વેલરી કે સાડી-ડ્રેસમાં ચોંટાડવામાં આવતા હીરા જેવા લાગતા કાચના ટુકડા હોવાનું બાદમાં જણાઈ આવ્યું હતું. કોઈક વેપારીનું હીરાનું પડીકું પડી ગયું છે એ પ્રકારનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો અહીં ઊમટી પડ્યા હતા. ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીની ઇમેજ ખરાબ કરવા માટે કોઈકે નકલી હીરા રસ્તામાં ફેંકીને મજાક કરી હોવાનું લાગી રહ્યું છે. અહીં કોઈ નાની ઘટના બને તો પણ લોકોનાં ટોળેટોળાં ઊમટી પડે એવી માનસિકતા છે. આથી હીરા જેવી કીમતી વસ્તુ મફતમાં મેળવવા માટે કંઈ વિચાર્યા વિના લોકો રસ્તામાં હીરા શોધવા લાગ્યા હતા. કેટલીક મહિલાઓ પણ આમાં જોડાઈ હતી. આવી મજાક કરનારાને સજા કરવી જોઈએ. કોણે આ મજાક કરી છે એ હજી સુધી ધ્યાનમાં નથી આવ્યું.’