આ શબ્દો છે વિદ્યાવિહાર (ઈસ્ટ)ની રાજાવાડી કૉલોનીમાં મંગળવારે રાતના પીપળાનું વૃક્ષ પડ્યા પછી એની નીચે દબાઈ ગયેલી કારમાંથી બચીને બહાર આવેલા ચાર ગુજરાતી સિનિયર સિટિઝનોના
પીપળાનું વૃક્ષ ધ્વંસ થતાં ગુજરાતી પરિવારની દબાઈને ખુરદો બોલી ગયેલી વૅગન-આર કાર, વૃક્ષ ધરાશાયીની થવાની દુર્ઘટનામાં બચી ગયેલાં બે ગુજરાતી સિનિયર સિટિઝન કપલ
બાલ-બાલ બચ્યા : ઘાટકોપરનાં બે સિનિયર સિટિઝન કપલની કાર પર ૧૨૦ વર્ષ જૂનું ઝાડ પડ્યું છતાં જિતેન્દ્ર શાહ અને તેમનાં પત્ની વર્ષાબહેન તથા મહેશ પરીખ અને જ્યોતિ પરીખ સુખરૂપ કારમાંથી બહાર આવી શક્યાં. કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવા છતાં ચારેચારનો જીવ બચ્યો એ એક ચમત્કાર જ કહેવાય
વિદ્યાવિહાર (ઈસ્ટ)ની રાજાવાડી કૉલોનીમાં ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટના હજી સ્થાનિક રહેવાસીઓના માનસપટ પરથી ભૂંસાઈ નથી ત્યાં જ મંગળવારે રાતના પોણાદસ વાગ્યાની આસપાસ આ કૉલોનીમાં આવેલા સાંઈલીલા હૉલની સામેનું ૧૨૦ વર્ષ જૂનું પીપળાનું મોટું વૃક્ષ એક કાર પર પડી ગયું હતું. આ કારમાં મિત્રના ખબર પૂછવા જઈ રહેલા ચાર સિનિયર સિટિઝનોનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે કારનો ખુરદો બોલી ગયો હતો. આ ઘટના પછી સફાળા જાગેલા મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ગઈ કાલથી તરત જ અમલમાં આવે એવી રીતે ઘાટકોપર અને વિદ્યાવિહારનાં વૃક્ષોના સર્વે કરવાની દોડાદોડી શરૂ કરી દીધી છે. તેઓ સર્વે બાદ જોખમી દેખાતાં વૃક્ષોનું ટ્રિમિંગ ટૉપ પ્રાયોરિટીમાં શરૂ કરશે.
ADVERTISEMENT
પીપળાનું આ વૃક્ષ એક દિવસ પડી જઈને મોટી દુર્ઘટના સર્જી શકે છે એવો ભય એક મહિના પહેલાં જ આ વિસ્તારનાં એક ગુજરાતી મહિલા પારુલ ઠક્કરે ‘મિડ-ડે’ સામે દર્શાવ્યો હતો. આ બાબતનો અહેવાલ ૨૮ જૂને ઘાટકોપર ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં પારુલ ઠક્કરે કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં આવેલા સાંઈલીલા હૉલની ક્રૉસમાં વર્ષોથી એક જૂનું પીપળાનું વૃક્ષ ઊભેલું છે, જેનાં મૂળિયાં હવે એકદમ જમીનમાંથી બહાર આવી ગયાં છે અને ઝાડ પડવાની તૈયારીમાં જ છે. મારા અંદાજે આ વખતે આ વાવાઝોડાના તોફાની પવનમાં અથવા તો ચોમાસામાં આ ઝાડ પડી જ જશે, પણ મહાનગરપાલિકાવાળાને હજી સુધી આ જોખમી વૃક્ષ દેખાતું નથી. લાગે છે કે જ્યારે આ વૃક્ષ કોઈનો ભોગ લેશે ત્યારે જ તે લોકો એ વૃક્ષ પર ઍક્શન લેશે. થોડી પણ મહાનગરપાલિકાને પ્રજાની ચિંતા હોય અને કોઈનો ભોગ ન લેવો હોય તો આ ઝાડને માટે કંઈક કરવું જોઈએ.’
ભય સાચો નીકળ્યો
પારુલ ઠક્કરે દર્શાવેલો ભય સાચો પડ્યો હતો. મંગળવારે રાતના ૯.૩૦ વાગ્યે ઘાટકોપર (ઈસ્ટ)ની ક્લોવર રેસિડન્સીમાંથી જૈન સિનિયર સિટિઝન દંપતી જિતેન્દ્ર શાહ અને તેમનાં પત્ની વર્ષાબહેન સાથે રાજાવાડી કૉલોનીમાં તેમના સિનિયર સિટિઝન મિત્ર મહેશ પરીખ અને જ્યોતિ પરીખને મળવા ગયાં હતાં. જોકે ત્યાંથી દસ જ મિનિટમાં બન્ને દંપતી તેમના ક્લોવર રેસિડન્સીમાં રહેતા ઘાટકોપર ગુજરાતી સમાજના અધ્યક્ષ જિતેન્દ્ર મહેતાનું ની-રિપ્લેસમેન્ટ કરાવ્યું હોવાથી ખબર કાઢવા પાછાં ફર્યાં હતાં. તેઓ હજી તો જિતેન્દ્ર શાહની વૅગન-આર કારમાં સાંઈલીલા હૉલ સુધી પહોંચ્યાં હતાં ત્યાં જ જોરદાર ધમાકા સાથે જોખમી પીપળાનું વૃક્ષ ધરાશાયી થઈને તેમની કારના છાપરા પર પડ્યું હતું.
બનાવ શું બન્યો હતો?
અમે મારા મિત્રના બંગલેથી નીકળીને મારી કારમાં મારા અન્ય મિત્રની ખબર પૂછવા જઈ રહ્યા હતા એમ જણાવીને ૭૦ વર્ષના જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું કાર સ્લો ચલાવી રહ્યો હતો. તેમની ગલીમાંથી બહાર નીકળ્યા ત્યારે પણ મારી કાર સ્લો જ હતી. અમે સાંઈલીલા હૉલથી રાજાવાડી હૉસ્પિટલ તરફ વળીએ એ પહેલાં જ એક ધમાકો થયો હતો. અમને લાગ્યું કે મારી કાર કોઈ ખાડામાં જતી રહી છે, પરંતુ ત્યાં તો કોઈ ખાડો હતો જ નહીં. ત્યારે ખબર પડી કે મારી કાર પર પીપળાનું વૃક્ષ તૂટી પડ્યું છે અને એનો વજનદાર થડનો ભાગ મારી કારને નીચે દબાવી રહ્યો હતો. પાછળના ભાગના દરવાજા તૂટી જવાથી પાછળની સીટ પર બેઠેલાં મારા મિત્રનાં ૬૨ વર્ષનાં પત્ની જ્યોતિબહેન પહેલાં બહાર નીકળી ગયાં હતાં, પણ તેઓ ખૂબ જ ગભરાઈ ગયાં હતાં. ત્યાર પછી મારા મિત્ર ૭૧ વર્ષના મહેશ પરીખ તેમની બાજુના દરવાજામાંથી કોઈ પણ જાતની ઈજા વગર બહાર નીકળી ગયા હતા. ત્યાં તો આસપાસના રહેવાસીઓ અમારી મદદે આવી પહોંચ્યા હતા.’
ભગવાનનું નામ લેતા હતા
અમે ચારેય સિનિયર સિટિઝનો ભગવાનના નામનું રટણ કરતા હતા એમ જણાવીને જિતેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘હું અને મારી પત્ની આગળની સીટ પર હતાં. મારી પત્ની વર્ષાની બૉડી હેલ્ધી હોવાથી તેના માટે કારમાંથી બહાર નીકળવું અશક્ય હતું. એને કારણે તે માનસિક આઘાતમાં આવી ગઈ હતી. તેની તરફના દરવાજામાંથી કોઈ પણ રીતે બહાર નીકળી શકાય એમ નહોતું. સૌ તેમને કેવી રીતે બહાર કાઢવા એની મૂંઝવણમાં આવી ગયા હતા. મેં કહ્યું કે બારીનો કાચ તોડી નાખો અને વર્ષાને ત્યાંથી બહાર કાઢો એટલે તરત જ તેની બાજુના બારીના કાચને તોડી નાખ્યો હતો, પણ વર્ષા હિંમત હારી ગઈ હતી. તે સતત કહ્યા કરતી હતી કે હું હેલ્ધી શરીર સાથે આમાંથી બહાર નહીં નીકળી શકું. હું તેને બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કરતો હતો. હું કહ્યા કરતો હતો કે કપડાં ફાટે તો ભલે ફાટે, થોડી ઈજા ભલે થાય; પણ તું બહાર નીકળવાની કોશિશ જારી રાખ, ડરી નહીં જા, ચોક્કસ બહાર નીકળી જઈશ.’
ત્યાં જમા થયેલા લોકોએ તેને બહાર ખેંચવાની કોશિશ કરી, પણ તેઓ વર્ષાને બહાર કાઢી શકતા નહોતા. ત્યાં તો બે સ્ટ્રૉન્ગ મહિલા અમારી સહાય માટે આવી હતી એમ જણાવીને જિતેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘આ બન્ને મહિલાઓએ વર્ષાને જોરથી ખેંચીને બહાર કાઢી હતી. ત્યાં નીચે કાચના ઢગલા હતા એટલે વર્ષાના પગમાં કોચાતા હતા, પરંતુ તે સહીસલામત બહાર આવી ગઈ હતી. તે બહાર આવી એ પછી હું મારી રીતે ડ્રાઇવિંગ-સીટ પરથી બહાર આવી ગયો હતો. આ બચાવકાર્ય અંદાજે એક કલાક ચાલ્યું હતું ત્યાં તો રાજાવાડી હૉસ્પિટલના ડૉક્ટરની ટીમ, ફાયર બ્રિગેડ, પોલીસ પણ અમને બચાવવા માટે હાજર થઈ ગયાં હતાં. જોકે અમારામાંથી કોઈને મોટી ઈજા થઈ નહોતી. મૂઢમાર બધાને વાગ્યો છે.’
ઈશ્વરની મહેરબાનીથી બચ્યા
અમે સતત નવકાર મંત્ર અને જીરાવલ્લા પાર્શ્વનાથનું સ્મરણ કરતાં હતાં એમ જણાવીને જિતેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘અમે ચારેય જણ ઈશ્વરની મહેરબાનીથી જ મોતના મુખમાંથી બચીને બહાર આવ્યાં છીએ. બચાવકાર્ય સમયે પણ થડના વજનથી કાર નીચે દબાતી જતી હતી. જોકે અમારા ગુરુદેવ અને જીરાવલ્લા પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી અમે બચી ગયાં હતાં. જાણે અમને બીજો જન્મ મળ્યો હોય એવું ફીલ થઈ રહ્યું છે.’
કેબલ અને ઇન્ટરનેટને નુકસાન
આ વૃક્ષ જોખમી બની ગયું છે એવી સૌથી પહેલી માહિતી આપનાર પારુલ ઠક્કરે કહ્યું હતું કે ‘મંગળવારે ૧૨૦ વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ ધરાશાયી થવાથી રામ રાખે તેને કોણ ચાખે એવી રીતે ચાર સિનિયર સિટિઝનો બચી ગયા હતા, પરંતુ તેમની કાર અને વૃક્ષના ધરાશાયી થવાથી કેબલો અને ઇન્ટરનેટના વાયરો તૂટી પડ્યા છે. અમારા વિસ્તારમાં અનેક મકાનોની આસપાસ પીપળાના વૃક્ષનાં મૂળિયાં વિસ્તરી રહ્યાં છે, જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.’
ગાર્ડન ડિપાર્ટમેન્ટ શું કહે છે?
આ બનાવ પછી મહાનગરપાલિકાના ‘એન’ વૉર્ડના ગાર્ડન ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર શરદ બાગુલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એપ્રિલ મહિનામાં જ ‘એન’ વૉર્ડ હેઠળનાં વૃક્ષોનું ટ્રિમિંગ કર્યું હતું. જોકે રાજાવાડી કૉલોનીની મંગળવારની ઘટનાને ગંભીરતાથી લઈને અમે ફરી બધાં વૃક્ષોનો સર્વે શરૂ કર્યો છે. જ્યાં જરૂર હશે ત્યાં અમે ફરીથી ટ્રિમિંગ કરીશું. રાજાવાડી કૉલોનીના પીપળાના વૃક્ષનાં મૂળિયાં જમીનમાંથી બહાર આવી ગયાં હતાં, જેને કારણે આ દુર્ઘટના બની હતી.’

