એ માટે જાહેરાત આપવી પડી અને ડૉક્ટરોને વધારે પગાર આપવા માટે પણ વિચારણા થઈ રહી છે
વસઈ-વિરાર મહાનગરપાલિકાએ આરોગ્ય કેન્દ્ર માટે ખાનગી જગ્યા મેળવવા ન્યુઝપેપરમાં જાહેરાત આપી હતી.
મુંબઈ : વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશને ૬૫ આરોગ્ય સેન્ટરોનો લક્ષ્યાંક પૂરો કરવા માટે જગ્યાની શોધ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે કૉર્પોરેશન અત્યાર સુધીમાં ફક્ત ૧૪ જગ્યા મેળવી શક્યું છે. એટલે મહાનગરપાલિકાએ હવે બાકીનાં ૪૬ આરોગ્ય કેન્દ્રો માટે ખાનગી જગ્યા ભાડે લેવાનો નિર્ણય લીધો છે. આ માટે ન્યુઝપેપરમાં જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમ જ ડૉક્ટરોને પગાર વધારે આપવાના પ્રસ્તાવ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે આરોગ્ય-વ્યવસ્થાને મજબૂત કરવા માટે રાજ્યના તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાનો સંકલ્પ કર્યો હતો. ગયા વર્ષે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનને ૧૨ આરોગ્ય કેન્દ્રોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. હવે આ વર્ષે ૫૩ આરોગ્ય કેન્દ્રોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ડિસેમ્બરના અંત સુધીમાં કુલ ૬૫ આરોગ્ય કેન્દ્રોનું કામ પૂરું કરવાનું છે. મહાનગરપાલિકાએ આ આરોગ્ય કેન્દ્રો શરૂ કરવાની તૈયારી કરી લીધી છે, પરંતુ એ માટે જગ્યાની સમસ્યાનો સામનો કરી રહી છે. આ માટે એણે જગ્યાની શોધખોળ શરૂ કરી હતી. જોકે મહાનગરપાલિકાને કુલ ૧૪ જગ્યા મળી શકી હતી. એમાંથી ૭ જગ્યા તો મહાનગરપાલિકાએ તૈયાર કરેલા બિલ્ડિંગમાં છે, જ્યારે બાકીની ૭ જગ્યા મહાનગરપાલિકાની માલિકીની ખાલી જગ્યામાં છે. હાલમાં મહાનગરપાલિકાનાં પાંચ આરોગ્ય કેન્દ્રો ચાલે છે. એટલે બાકીનાં ૪૬ આરોગ્ય કેન્દ્રો શરૂ કરવા માટે જગ્યાની જરૂર છે. એટલે મહાનગરપાલિકાએ અખબારોમાં જાહેરાત આપી છે એટલે એ ચર્ચાનો વિષય બન્યો છે.
૧૫ દિવસમાં સંપર્ક કરવો
વસઈ-વિરાર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (આરોગ્ય) વિનોદ ડવલેએ જણાવ્યું હતું કે ‘આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માટે ૫૦૦થી ૧૦૦૦ ચોરસ ફુટ જગ્યાની જરૂર છે. આ માટે માસિક ભાડું એક લાખ રૂપિયા સુધી રહેશે. જે લોકો જગ્યા ભાડે આપવા માગતા હોય તેમણે ૧૫ દિવસમાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા કહેવાયું છે. હાલમાં અમારી પાસે ૬૫માંથી પાંચ આરોગ્ય કેન્દ્રો શરૂ થયાં છે. અમે બાકીનાં આરોગ્ય કેન્દ્રો માટે જગ્યા શોધી રહ્યા છીએ. આ માટે ખાનગી જમીનમાલિકોને પાંચ વર્ષ માટે જમીન ભાડે આપવા આવાહન કરવામાં આવ્યું છે.’
ડૉક્ટરોનો પગાર વધારવા વિચારણા
કેન્દ્ર સરકારના ૧૫મા નાણાપંચ દ્વારા આ આરોગ્ય કેન્દ્ર માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. એમાંથી ડૉક્ટરોને પૈસા ચૂકવવામાં આવે છે. હાલમાં આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરોને માસિક ૬૦,૦૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. એથી એવું જાણવા મળ્યું છે કે ડૉક્ટરો આરોગ્ય કેન્દ્રોમાં કામ કરવા માટે બહુ ઇચ્છુક નથી. એથી આ ડૉક્ટરોને વધારે પગાર આપવાનું મહાનગરપાલિકા વિચારણા કરી રહી છે.


