મહારેલ, એમએમઆરડીએ અને મહાનગરપાલિકા વચ્ચે ત્રિપક્ષીય એમઓયુ થશે : એને બાંધવા માટે થશે ૧૫૫ કરોડ રૂપિયાનો ખર્ચ : એ બન્યા બાદ વસઈ-વિરારની ટ્રાફિક-જૅમની સમસ્યાનો ઉકેલ આવશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ અને કલ્યાણ-ડોમ્બિવલી પ્રમાણે હવે મહારેલ દ્વારા વસઈ-વિરારમાં ચાર રેલવે ફ્લાયઓવર (આરઓબી) બાંધવામાં આવશે. રાજ્યના સાર્વજનિક બાંધકામ વિભાગે આ પુલોનું નિર્માણ મહારેલ (મહારાષ્ટ્ર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન)ને કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભે એમએમઆરડીએ, વસઈ-વિરાર મહાનગરપાલિકા અને મહારેલ વચ્ચે ટૂંક સમયમાં ત્રિપક્ષીય એમઓયુ કરવામાં આવશે. આ પુલોના નિર્માણ બાદ વસઈ-વિરારમાં ટ્રાફિક-જૅમની સમસ્યાનો ઉકેલ આવશે.
વસઈ-વિરારનો વિસ્તાર ૩૮૦ ચોરસ કિલોમીટર છે અને વસ્તી લગભગ ૨૫ લાખ છે. જોકે રસ્તાઓ સાંકડા હોવાની સાથે વાહનોની સંખ્યા વધી રહી છે એટલે દરરોજ ટ્રાફિક-જૅમનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ભાગનો ટ્રાફિક-જૅમ ઈસ્ટથી વેસ્ટ તરફ થાય છે. આ માટે રેલવે ફ્લાયઓવર બનાવવાની સંકલ્પના સામે આવી હતી. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાએ ચાર રેલવે ફ્લાયઓવરનો પ્રસ્તાવ તૈયાર કરીને એને એમએમઆરડીને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. એમાં ઉમેળા (વસઈ), આચોલે (નાલાસોપારા), અલકાપુરી (નાલાસોપારા) અને વિરાટનગર (વિરાર) નામના ચાર ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. આ ચાર પુલના નિર્માણ માટે અંદાજે ૧૫૫ કરોડ રૂપિયાનો અપેિક્ષત ખર્ચ કહેવામાં આવ્યો હતો. જોકે ફન્ડના અભાવે ફ્લાયઓવરનું બાંધકામ કામ રખડી પડ્યું હતું. આ ફ્લાયઓવરનું કામ કેન્દ્ર સરકારની ‘સેતુ ભારતમ’ યોજના દ્વારા કરાવવાનો પણ મહાનગરપાલિકાએ પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ વિધાનસભ્ય હિતેન્દ્ર ઠાકુરે આ પુલોની માગણી માટે સાર્વજનિક બાંધકામ વિભાગ સાથે ફૉલોઅપ કર્યા પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ કામ મહારેલને સોંપવાની સૂચના આપી છે. સાર્વજનિક બાંધકામ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ફાઇનૅન્સ) સુભાષ કવડેએ લેખિત પત્ર દ્વારા આ માહિતી આપી છે.
ADVERTISEMENT
રાજ્યમાં ૧૦૦થી વધુ આરઓબી
રાજ્યના સાર્વજનિક બાંધકામ વિભાગે મહારેલને રાજ્યમાં ૧૦૦થી વધુ સ્થળોએ આરઓબી બનાવવાનું કામ સોંપ્યું છે. સાર્વજનિક બાંધકામ વિભાગે માહિતી આપી હતી છે કે આમાંથી ૧૫ સ્થળોએ આરઓબી કાર્યરત કરવામાં આવ્યા છે. એથી વસઈ-વિરાર મ્યુનિસિપલ કમિશનર અનિલકુમાર પવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો આ ચાર રેલવે ફ્લાયઓવર બનાવવામાં આવે તો ઈસ્ટ અને વેસ્ટમાં ટ્રાફિક-જૅમની સમસ્યા ૫૦ ટકા ઓછી થઈ જશે અને લોકોને મોટી રાહત મળશે.
મુંબઈ ૧૦ જગ્યાએ આરઓબી
આ પહેલાં મહારેલે મુંબઈમાં ૧૦ કેબલ-સ્ટેયડ આરઓબી અને એક ભૂમિગત બ્રિજના નિર્માણ માટે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં રે રોડ, ભાયખલા અને ટિળક બ્રિજના આરઓબી કાર્યરત થવા જઈ રહ્યા છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં પાંચ રેલવે ફ્લાયઓવર બાંધવા માટે મહારેલે મહાનગરપાલિકા અને એમએમઆરડીએ સાથે એમઓયુ કર્યા છે.


