ઉલ્હાસ નદી પર પુલ બાંધવાની માગણી બહેરા કાને અથડાય છે

શ્રીકાંત ખુપેરકર
કર્જત પાસેના બેંડસે ગામના લોકોની હાલાકીનો કોઈ પાર નથી. આ ગામ પાસેથી ઉલ્હાસ નદી વહે છે. નદીના સામે કાંઠે પાંચેક મિનિટના અંતરે ભિવપુરી રેલવે-સ્ટેશન છે. એ સ્ટેશને જવા માટે લોકો કેટલું જોખમ લેતા હોય છે એનો પ્રાથમિક અંદાજ આ તસવીર આપે જ છે, પરંતુ વાસ્તવિકતા એથી વધારે કરુણાજનક છે.
બેંડસે ગામના લોકોને કર્જત જવા માટે સહેલાઈથી રિક્ષા, બસ કે બીજું કોઈ વાહન મળતું નથી. રિક્ષા મળે તો પણ એનું ભાડું ચાલીસેક રૂપિયા થાય, એ ત્યાંની ગરીબ પ્રજાને પરવડતું નથી. તેમને માટે બેંડસે અને ભિવપુરી બન્ને તરફ લોખંડના તાર બાંધીને એના પર ચાલતાં-ચાલતાં બેંડસેથી ભિવપુરી અને ભિવપુરીથી બેંડસે એમ અવરજવર કરવી પડે છે. કેટલાક લોકો સામાન સાથે લોખંડના તાર પર ચાલતા હોય છે. બહુ ડેન્જરસ રીતે આ ૧૦-૧૫ મિનિટનો પ્રવાસ કરવો પડે છે.
સામાન્ય રીતે મુંબઈની લોકલ ટ્રેનોમાં લટકતા-સ્ટન્ટ કરતા કે પછી ખેલ કરતા મદારીને જોઈને આપણને કૌતુક થાય છે અને ક્યારેક હૃદય ધબકારા ચૂકી જાય છે. ટ્રેનમાં સ્ટન્ટ કરનારા જુવાનિયા છોકરાઓને લોકો સલાહો અને શિખામણો પણ આપે છે. આ સ્ટન્ટ માટે કોઈ વ્યક્તિ કોઈને ઠપકો આપી શકે એમ નથી, કારણ કે એ મજબૂરી છે.
બેંડસે ગામના લોકો માટે નદી ઓળંગવી એ તાતી જરૂરિયાત છે, કારણ તેમને લાગુ પડતા સ્ટેશન સુધી જવા માટે એક બ્રિજ બાંધવાની જોગવાઈ માટે સમય ફાળવવાની સ્થાનિક લોકપ્રતિનિધિઓ કે સરકારી અધિકારીઓને ફુરસદ નથી. ૭ વર્ષથી વધારે વખતથી લોકોએ છેલ્લે ઉલ્હાસ નદીના બન્ને કાંઠાને જોડતો બેંડસે અને ભિવપુરી વચ્ચે બ્રિજ બાંધવાની માગણીઓ વિધાનસભ્યો, સંસદસભ્ય અને કર્જત મ્યુનિસિપાલિટી સહિત જુદાં-જુદાં સ્તરે કરી છે, પરંતુ તમામ રજૂઆતો બહેરા કાને અથડાઈ છે.


