સુનીલે સ્વીટી અને રૉકી નામનાં બે ડૉગીને ચાર વર્ષ પહેલાં ખરીદ્યાં હતાં અને પછી પોતાના ઘરની પાછળ એક પાજરું બનાવીને વર્ષોથી એમાં રાખ્યાં હતાં
કોનગાંવમાં પાંજરામાં રાખવામાં આવેલાં ડૉગી.
પીપલ ફૉર ઍનિમલ (PFA) નામના મુંબઈના સંગઠનની ટીમે પનવેલના કોનગાંવમાં ચાર વર્ષથી અમાનવીય રીતે બાંધી રાખવામાં આવેલાં બે ડૉગીને સોમવારે બચાવી લીધાં હતાં. પ્રાણીઓની ક્રૂરતા વિશેની ફરિયાદમાં જાણવા મળ્યું હતું કે પનવેલમાં રહેતા સુનીલ કોરાડેએ તેનાં બે પાલતુ ડૉગીને છેલ્લાં ચાર વર્ષથી એક જ જગ્યાએ પાંજરામાં બંધ રાખીને એમની કાળજી લીધી નહોતી એટલું જ નહીં, તેઓ બીમાર હોવા છતાં એમની સારવાર પણ કરાવી નહોતી. એક જ જગ્યાએ બાંધી રાખ્યા હોવાથી ડૉગીઓનાં મળમૂત્ર ત્યાં જ ભેગાં થયાં હતાં જેમાં કીડા પણ પડી ગયા હતા.
વિડિયો દ્વારા મને માહિતી મળી હતી કે કોનગાંવ પોલીસ-સ્ટેશનની સામે ડૉગીઓને પાંજરામાં લાંબા સમયથી પૂરી રાખવામાં આવ્યાં છે એમ જણાવતાં PFAના મુંબઈના પ્રમુખ વિજય રંગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિડિયો મળ્યા બાદ મેં તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી જેમાં ડૉગી ભસવાના અવાજો સાથે મદદ માટે વિનંતી કરી રહ્યાં હતાં. ત્યાર બાદ મેં સ્થાનિક પોલીસ સાથે ફરી એ સ્થળની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે સુનીલે સ્વીટી અને રૉકી નામનાં બે ડૉગીને ચાર વર્ષ પહેલાં ખરીદ્યાં હતાં અને પછી પોતાના ઘરની પાછળ એક પાજરું બનાવીને વર્ષોથી એમાં રાખ્યાં હતાં. તે ડૉગીને કોઈ દિવસ બહાર ફરવા લઈ ગયો નહોતો. ડૉગીનું જમવાનું પણ તે અંદર આપી દેતો હતો. એક તરફ ડૉગી જમતો હોય અને બીજી તરફ એમનું ટૉઇલેટ પડ્યું હોય એવી પરિસ્થિતિ થઈ હતી. હાલમાં અમે ડૉગીને રેસ્ક્યુ કરીને અલીબાગની એક ફૅમિલીને સોંપ્યાં છે. હવે એ ફૅમિલી ડૉગીનું ધ્યાન રાખશે.’

