પુણેની સસૂન હૉસ્પિટલમાં બીમાર હોવાને કારણસર ઍડ્મિટ થયેલો આરોપી લલિત પાટીલ ડ્રગ્સનું રૅકેટ ચલાવતો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પુણેના બહુ ગાજેલા ડ્રગ્સકેસનો આરોપી લલિત પાટીલ સસૂન હૉસ્પિટલમાંથી પલાયન થઈ ગયો એ બાબતે પોલીસની બેદરકારી સામે આવતાં બે કૉન્સ્ટેબલની પોલીસ-સર્વિસમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પુણેની સસૂન હૉસ્પિટલમાં બીમાર હોવાને કારણસર ઍડ્મિટ થયેલો આરોપી લલિત પાટીલ ડ્રગ્સનું રૅકેટ ચલાવતો હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું. પોલીસની તપાસમાં સસૂન હૉસ્પિટલના ગેટ પાસેથી ૨.૧૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસની ભીંસ વધતાં લલિત પાટીલ સસૂન હૉસ્પિટલમાંથી એક્સ-રે કરાવવા હૉસ્પિટલના બે કર્મચારી સાથે બહાર નીકળ્યો હતો અને બાદમાં તે પલાયન થઈ ગયો હતો. એ સમયે હૉસ્પિટલમાં પુણે પોલીસના કૉન્સ્ટેબલ આદેશ શિવણકર અને પીરપ્પા બનસોડે તહેનાત હતા. આરોપી લલિત પાટીલ પલાયન થઈ ગયાના ત્રણ કલાક બાદ તેમણે પોલીસ કન્ટ્રોલ કે વરિષ્ઠ અધિકારીને જાણ કરી હતી. ફરજમાં બેદરકારી રાખવા બદલ આ બન્ને કૉન્સ્ટેબલની હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું પુણે પોલીસે ગઈ કાલે જાહેર કર્યું હતું.

