ધરપકડ બાદ શીઝાને એકથી વધુ વખત બૉમ્બે હાઈ કોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરી હતી, પરંતુ કોર્ટ તરફથી તેને કોઈ રાહત નહોતી મળી
તુનિશા હત્યાકાંડ : જામીન મળતાં શીઝાન ખાન અઢી મહિના બાદ જેલમાંથી છૂટશે
મુંબઈ : ટીવી-અભિનેત્રી તુનિશા શર્માની આત્મહત્યા મામલામાં અભિનેતા અને ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ શીઝાન ખાનની પોલીસે ધરીપકડ કરી હતી. આરોપી શીઝાને વસઈની સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરી હતી, જેમાં ગઈ કાલે કોર્ટે શીઝાનના જામીન મંજૂર કર્યા હતા. આથી શીઝાન અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવશે.
‘અલીબાબા : દાસ્તાન-એ-કાબુલ’ ટીવી-સિરિયલના વસઈ નજીકના સેટ પર ટીવી-અભિનેત્રી તુનિશા શર્માએ ગયા વર્ષે ૨૪ ડિસેમ્બરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તુનિશાની માતા વનીતા શર્માએ પુત્રીને આત્મહત્યા કરવા માટે શીઝાને ઉશ્કેરી હોવાનો આરોપ અને ફરિયાદ નોંધાવ્યા બાદ વાલિવ પોલીસે શીઝાનની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ધરપકડ બાદ શીઝાને એકથી વધુ વખત બૉમ્બે હાઈ કોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરી હતી, પરંતુ કોર્ટ તરફથી તેને કોઈ રાહત નહોતી મળી. આથી તેણે વસઈની સેશન્સ કોર્ટમાં ગયા મહિને ફરી એક વખત જામીન મેળવવા માટે અરજી કરી હતી. આ કોર્ટમાં સુનાવણી થયા બાદ જસ્ટિસે નિર્ણય ગઈ કાલ સુધી મુલત્વી રાખ્યો હતો.
વસઈ સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજ આર. ડી. દેશપાંડેએ ગઈ કાલે શીઝાન ખાનને જામીન મંજૂર કર્યા હતા. આથી તે અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવશે. શીઝાનને કોર્ટે એક લાખ રૂપિયાની શ્યૉરિટી આપવાની સાથે તેનો પાસપોર્ટ જપ્ત કરવાનો નિર્દેશ આપવા ઉપરાંત તેને કોર્ટની મંજૂરી વિના દેશની બહાર ન જવાનું કહીને જામીન આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

