આ ટ્રાફિક જૅમ સવારના સમયે થવાથી ઑફિસ જઈ રહેલા અનેક નોકરિયાતોએ હેરાન થવું પડ્યું હતું
લોકોને ટ્રાફિકમાં હેરાન થવું પડ્યું હતું
થાણે-ઘોડબંદર રોડ પર બુધવારે કેમિકલ ભરેલું ટૅન્કર ઊંધું વળી જવાથી ભારે ટ્રાફિક જૅમ સર્જાયો હતો એવો જ ટ્રાફિક જૅમ ગઈ કાલે પણ હતો. જોકે ગઈ કાલે કોઈ અકસ્માત નહોતો થયો, પણ બ્રહ્માંડ અને માનપાડા વચ્ચે રૉન્ગ સાઇડમાંથી વાહનો આવવા માંડતાં રોડ બ્લૉક થઈ ગયો હતો અને કલાકો સુધી લોકોએ હેરાન થવું પડ્યું હતું. વળી આ ટ્રાફિક જૅમ સવારના સમયે થવાથી ઑફિસ જઈ રહેલા અનેક નોકરિયાતોએ હેરાન થવું પડ્યું હતું એટલું જ નહીં, કલાકો સુધી લોકલ ટ્રાન્સપોર્ટની સિટી બસો પણ ટ્રાફિકમાં અટવાઈ જવાથી સ્ટેશન પર પણ લાંબી લાઇનો લાગી હતી.
અનેક લોકો બસમાંથી ઊતરીને બીજો વિકલ્પ લેતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા બાદ ઑફિસમાં ફોન કરીને તેઓ વર્ક ફ્રૉમ હોમ કરશે એમ જણાવીને ઘરની વાટ પકડી હતી. જોકે આ ટ્રાફિક જૅમને કારણે લોકોએ થાણે પોલીસ અને ટ્રાફિક-પોલીસને સોશ્યલ મીડિયા પર ફરિયાદ કરી હતી. ટ્રાફિક-પોલીસના કૉન્સ્ટેબલોને પણ એ ટ્રાફિક ક્લિયર કરવામાં કલાકોનો સમય લાગી ગયો હતો.