મીરા-ભાઈંદરમાં હોળી માટે વૃક્ષો કાપવામાં આવ્યાં હોવાની જાણ થશે તો સંબંધિત વ્યક્તિઓને દંડ કરવાની સાથે જેલની સજા પણ થઈ શકે છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગુરુવારે હોળી છે, જેમાં મુંબઈ અને આસપાસના ક્ષેત્રમાં લગભગ દરેક વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીમાં સૂકાં લાકડાં, વૃક્ષની સુકાયેલી કે લીલી ડાળખી અને પાંદડાં સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. મીરા-ભાઈંદરમાં હોળી માટે વૃક્ષો કાપવામાં આવ્યાં હોવાની જાણ થશે તો સંબંધિત વ્યક્તિઓને દંડ કરવાની સાથે જેલની સજા પણ થઈ શકે છે એવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
મીરા ભાઈંદર મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર કલ્પિતા પિંપળે (ઉદ્યાન)એ પાંચમી માર્ચે એક આદેશ રજૂ કર્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ‘હોળીમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનાં વૃક્ષ કાપવાં એ ગુનો બને છે. આથી કોઈ પણ વૃક્ષ કાપશે કે વૃક્ષ કાપવા માટે જવાબદાર હોવાનું જણાશે તો તેને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ઉપરાંત ગુનો પુરવાર થશે તો એક અઠવાડિયાથી એક વર્ષ સુધીની કેદની સજા થશે. આપણી આસપાસની કુદરતી સંપદાનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે એટલે હોળીમાં કોઈએ વૃક્ષ ન કાપવું.’
ADVERTISEMENT
022 28117104
મીરા ભાઈંદર મહાનગરપાલિકાએ કોઈ વૃક્ષ કાપતું હોય તો એની જાણ આ નંબર પર કરવાની અપીલ કરી છે.
