Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તમારા શ્વાસમાં આજે પણ પ્રદૂષિત હવા હશે

તમારા શ્વાસમાં આજે પણ પ્રદૂષિત હવા હશે

26 October, 2022 09:13 AM IST | Mumbai
Dipti Singh | dipti.singh@mid-day.com

દિવાળીમાં ફટાકડાને કારણે મુંબઈભરમાં છે સખત પૉલ્યુશન અને આમાં મલાડ અત્યારે છે નંબર વન

વર્સોવા બીચ પાસેના આ બિલ્ડિંગ ફરતે ધુમાડો દેખાય છે (તસવીર : સમીર માર્કન્ડે)

વર્સોવા બીચ પાસેના આ બિલ્ડિંગ ફરતે ધુમાડો દેખાય છે (તસવીર : સમીર માર્કન્ડે)


દિવાળીના બીજા દિવસની સવારે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) સામાન્ય કરતાં વધુ ખરાબ રહ્યો હતો. સોમવારની રાતે અને બીજા દિવસે એટલે કે મંગળવારની સવારે હવાની ગુણવત્તા અને હવામાન આગાહી અને સંશોધન (સફર)ની સિસ્ટમ મુજબ એકંદર પીએમ2.5 (પર્ટિક્યુલેટ મૅટર - શ્વાસમાં લઈ શકાય એવા કણ) ૨૯૦ (ખરાબ) પર પહોંચી ગયા હતા તથા સાંજ સુધી એ વધુ ૩૦૫ (અત્યંત ખરાબ) સ્તરે પહોંચી ગયા હતા.

આબોહવા નિષ્ણાતોના મતાનુસાર ગુરુવારે પણ એક્યુઆઇ અત્યંત ખરાબ શ્રેણીમાં રહેવાનું અપેક્ષિત છે.



મલાડ, અંધેરી અને ચેમ્બુરમાં નોંધાયેલી હવાની ગુણવત્તા અનુક્રમે ૩૭૫, ૩૫૮ અને ૩૧૯ એક્યુઆઇ સાથે અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાઈ હતી; જ્યારે વરલી, ભાંડુપ અને કોલાબામાં એક્યુઆઇ સૌથી નીચો અનુક્રમે ૫૧, ૧૨૮ અને ૧૮૩ નોંધાયો હતો, જેને પ્રમાણમાં સંતોષકારક ગણાવી શકાય.


સફર દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી એક્યુઆઇ ખરાબ કૅટેગરીમાં રહ્યા બાદ સાધારણ સ્તરે નોંધાશે. ઇન્ડિયન મિટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ (ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ)ના સહયોગથી મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સ હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મિટિયરોલૉજી (ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા) દ્વારા સંચાલિત સફર હવાની ગુણવત્તાની આગાહી કરે છે. દિવાળીના સમયગાળા માટે હવાની ગુણવત્તાની આગાહી સફર - ઍર ક્વૉલિટી ફોરકાસ્ટિંગ મૉડલ તરીકે ઓળખાતા એના ઉચ્ચ રેઝોલ્યુશન વાતાવરણીય રસાયણશાસ્ત્ર પરિવહન મૉડલના આધારે જારી કરવામાં આવી હતી.

છેલ્લે ૨૦૨૦ અને ૨૦૨૧માં દિવાળી પહેલાં અને એ દરમ્યાન ઘણી જગ્યાએ સતત વરસાદ પડ્યો હોવાથી હવામાનના પ્રદૂષકો ધોવાઈ ગયા હતા, પણ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહેલેથી જ પાછું ખેંચાઈ ગયું હોવાથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને વિરોધી સાયક્લોનિક સિસ્ટમ પ્રવર્તતી હોવાથી પવને સ્થિરતા પ્રાપ્ત કરી હોય એવી સ્થિતિ હોવાથી એ હવામાં પ્રદૂષકોને પણ પકડી રાખે છે. આમ થવાથી ફટાકડા અને વધારાના ઉત્સર્જનને પગલે એક્યુઆઇ નબળો પડે છે. દિવાળીના દિવસે નોંધપાત્ર પ્રમાણમાં ફટાકડા ફૂટવાથી આવું જ બને છે. દિવાળીના દિવસે મોડી રાતે એક્યુઆઇ ૩૨૦ સુધી પહોંચ્યો હતો, જે સવારે સુધર્યા બાદ સાંજે ફરી એક વાર બગડ્યો હતો. બુધવારે સવારે પણ એક્યુઆઇ ખૂબ નબળો રહેવાની તથા બાદમાં ધીમે-ધીમે સુધરવા અપેક્ષિત છે, એમ સફરના સ્થાપક અને પ્રોજેક્ટ ડિરેક્ટર ગુફ્રાન બેગે જણાવ્યું હતું.


આઇએમડીએ આગામી ૨૪થી ૪૮ કલાકમાં શહેરમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની આગાહી કરી છે. ગઈ કાલે સાંતાક્રુઝ વેધશાળામાં મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી સેલ્સિયસ અને કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આગાહી અને અન્ય (સ્રોત : સફર)

મુંબઈ દિવાળી પછીના દિવસે :

ઑક્ટોબર ૨૬ : પીએમ2.5 (સાંજે ૬ વાગ્યે કરાયેલું નિરીક્ષણ) = ૧૨૬ માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર (ખૂબ જ ખરાબ)

ઑક્ટોબર ૨૬ (આગાહી) : પીએમ2.5 = ૧૧૯ માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર (ખરાબ)

૨૬ ઑક્ટોબરે સરેરાશ એક્યુઆઇ : ૨૯૦થી ૩૦૫ની વચ્ચે (ઘણું ખરાબ)

૨૬ ઑક્ટોબરે એક્યુઆઇની આગાહી ૨૯૭ (ખરાબ)

મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષિત સ્થાનો (૨૫ ઑક્ટોબરે): મલાડ, ચેમ્બુર, અંધેરી, બીકેસી, માઝગાવ (બધાં જ સ્થળોએ એક્યુઆઇ ખરાબથી અતિ ખરાબની શ્રેણીમાં)

મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષિત સ્થાનો (૨૬ ઑક્ટોબરે અપેક્ષિત): મલાડ, ચેમ્બુર, અંધેરી, બીકેસી, માઝગાવ (બધાં ખૂબ જ ખરાબ શ્રેણીમાં)
 
સમગ્ર શહેરમાં એક્યુઆઇ

ભાંડુપ - ૧૨૮ (સંતોષકારક)
કોલાબા - ૧૮૩ (સંતોષકારક)
મલાડ - ૩૭૫ (અતિ ખરાબ)
માઝગાવ - ૨૭૩ (ખરાબ)
બોરીવલી - ૨૩૨ (ખરાબ)
બીકેસી - ૨૯૩ (ખરાબ)
ચેમ્બુર - ૩૧૯ (અત્યંત ખરાબ)
અંધેરી - ૩૫૮ (અત્યંત ખરાબ)
નવી મુંબઈ - ૨૪૨ (ખરાબ)
વરલી - ૫૧ (સંતોષકારક)

375
મલાડમાં આટલો એક્યુઆઇ નોંધાયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2022 09:13 AM IST | Mumbai | Dipti Singh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK