Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પૈસાનો વરસાદ કરાવવા જતાં ઇજ્જત લૂંટાવવાનો વારો આવ્યો

પૈસાનો વરસાદ કરાવવા જતાં ઇજ્જત લૂંટાવવાનો વારો આવ્યો

17 October, 2021 02:46 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવા મહિલાઓ બોગસ બાબાની જાળમાં ફસાઈ : પૂજા કરવાના નામે સારા ઘરની સ્ત્રીઓ પર બળાત્કાર કરીને તેમની પાસેથી રૂપિયા પડાવવાના આરોપસર નકલી બાબા સહિત બે જણની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પારિવારિક કે આર્થિક મુશ્કેલી દૂર કરવાના નામે મહિલાઓને છેતરવાની સાથે તેમના પર બનાવટી બાબાઓ દ્વારા બળાત્કાર કરવાની ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં આવા બાબાઓની જાળમાં મહિલાઓ ફસાતી હોય છે. પૈસાનો વરસાદ કરવાના નામે પોતાનું શારીરિક શોષણ કરવાની સાથે રૂપિયા પડાવી લેવાની ફરિયાદ ચાર મહિલાએ એક બાબા અને તેના એક સાથી સામે કરતાં વિરારના અર્નાળા પોલીસે બંનેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ આવી રીતે અનેક મહિલાઓને ફસાવી હોવાની શંકાના આધારે કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપીને તપાસ હાથ ધરવામાં આવી છે. બળાત્કારની કોઈને જાણ કરી તો જાદુ કરીને આખા પરિવારને ખતમ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું પોલીસે કહ્યું હતું.

વિરાર (વેસ્ટ)માં આવેલા અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ચાર મહિલાએ એક બોગસ બાબાએ પોતાના પર બળાત્કાર કરવાની સાથે આર્થિક ફ્રૉડ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોતાનાં કરતૂતો પર પડદો પાડવા બાબાએ કોઈને આ વાત કરીને જાદુ કરીને આખા પરિવારને ખતમ કરવાની ધમકી પણ આપી હોવાનું મહિલાઓએ ફરિયાદમાં નોંધ્યું છે. પોલીસે આ મામલામાં મૅથ્યુ પાંડિયન અને તેના સાથી દિનેશ દેવરુખકરની ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું.



પોલીસે આપેલી માહિતી મુજબ વિરારમાં રહેતી ૨૬ વર્ષની એક મહિલા આર્થિક મુશ્કેલીમાં હતી. જુલાઈ મહિનામાં તેના ઓળખીતા દિનેશ દેવરુખકરે તેને આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે મૅથ્યુ પાંડિયનને મળવાનું કહ્યું હતું. આથી મહિલા મૅથ્યુ પાંડિયનના ઘરે ગઈ હતી. પહેલી વખતમાં આરોપી મૅથ્યુએ મહિલા પાસેથી પૂજા કરવા માટે ૧૦ હજાર રૂપિયા લીધા હતા અને કહ્યું હતું કે પૂજા પૂરી થયા બાદ તેના પર કરોડો રૂપિયાનો વરસાદ થશે. બાદમાં આરોપીએ મહિલાને પૂજા કરવા ઘરે બોલાવીને તેના પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ કર્યો છે. આ બાબતે કોઈને કંઈ કહ્યું તો જાદુ કરીને આખા પરિવારને ખતમ કરવાની ધમકી આપી હતી.


અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘બાબા ચમત્કારિક છે એટલે તેની પાસે પૂજા કરાવવાથી દરેક મુશ્કેલી દૂર થઈ જશે એમ કહીને પેલી મહિલાએ તેની ત્રણ ફ્રેન્ડને પણ બાબા પાસે મોકલી હતી. જોકે આરોપી બોગસ બાબાએ તેમની પાસેથી પણ પૂજા કરવાના નામે રૂપિયા લેવાની સાથે બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે. ઘણા સમય સુધી આવું ચાલતું રહ્યું, પણ એનું કોઈ રિઝલ્ટ ન દેખાતાં ચારેય મહિલાએ અર્નાળા પોલીસ સ્ટેશનમાં બોગસ બાબા મૅથ્યુ પાંડિયન અને તેના સહયોગી દિનેશ દેવરુખકર સામે ફરિયાદ નોંધાવી હતી.’

અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજુ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આરોપીઓ મૅથ્યુ પાંડિયન અને તેના સાથી દિનેશ દેવરુખકર સામે ફરિયાદ નોંધી હતી. બાદમાં તેમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓની જાળમાં બીજી પણ કેટલીક મહિલાઓ ફસાઈ હોવાની શંકા હોવાથી આગળની તપાસ ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK