Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમીરોને ત્યાં ચોરી કરીને વતનમાં ગરીબોને મદદ કરતો આ રૉબિનહુડ

અમીરોને ત્યાં ચોરી કરીને વતનમાં ગરીબોને મદદ કરતો આ રૉબિનહુડ

28 February, 2023 07:59 AM IST | Mumbai
Prakash Bambhrolia

મોટા લોકોને ત્યાં ચોરી કરવી ગુનો નથી એવું માનતા એક ચોરે મુખ્ય પ્રધાન, રાજ્યપાલ અને જસ્ટિસ સહિતના લોકોના ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી

હાઈ-પ્રોફાઇલ ચોર મોહમ્મદ ઇરફાન.

હાઈ-પ્રોફાઇલ ચોર મોહમ્મદ ઇરફાન.


ફ્લાઇટ અને લક્ઝુરિયસ કારમાં આવીને ટાર્ગેટ કરતો અને વતનમાં ગરીબોને મદદ કરતો : વિવિધ રાજ્યમાં ચોરીની ૬૯ ફરિયાદ : પુણે ક્રાઇમ બ્રાન્ચે ૧.૨૦ કરોડ રૂપિયાની મતા સાથે તેને પંજાબમાંથી ઝડપ્યો

મુંબઈ : તામિલનાડુના મુખ્ય પ્રધાન, ગોવાના રાજ્યપાલ અને દિલ્હીના એક જસ્ટિસના ઘરે અને પુણેમાં એનસીપીના નેતા અજિત પવારના સંબંધીના ઘરમાંથી ચોરી કરવાના આરોપસર પુણે પોલીસે ૩૪ વર્ષના એક ચોરની પંજાબના જાલંધરમાંથી શનિવારે ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે કે માત્ર ને માત્ર હાઈ-પ્રોફાઇલ લોકોને જ નિશાન બનાવતા આ ચોરનું માનવું છે કે આવા લોકો પાસે બ્લૅક મની હોય છે એટલે તેમને ત્યાં ચોરી કરવામાં વાંધો નથી અને આવા લોકોનાં ઘરમાં હાથ નાખીએ તો મોટી રકમની સાથે કીમતી વસ્તુઓ પણ મળી શકે છે. મૂળ બિહારના આ ચોર સામે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ગોવા, તામિલનાડુ અને પંજાબ સહિતનાં રાજ્યોમાં ચોરીના ૬૯ કેસ નોંધાયેલા છે. ચોરીના રૂપિયાથી તે પોતાના વતનમાં ગરીબોને મદદ કરે છે એટલે તે અહીં રૉબિનહુડ તરીકે ઓળખાય છે. ચોરીના રૂપિયાના જોરે તેણે તેની પત્નીને જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિજય પણ અપાવ્યો હોવાનું જણાઈ આવ્યું છે. ગૂગલમાં હાઈ-પ્રોફાઇલ લોકોના ઘરનું સરનામું શોધીને તે ફ્લાઇટમાં કે લક્ઝુરિયસ કારમાં જે-તે સ્થળે પહોંચીને ચોરી કરે છે.



પુણે ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ પુણેના બાણેર રસ્તા પર આવેલી સિંધ સોસાયટીમાં એનસીપીના નેતા અજિત પવારના સંબંધી જગદીશ કદમ રહે છે. તેમના ઘરમાંથી ૧૦ ફેબ્રુઆરીએ એક પિસ્તોલ, ૧૨ કારતૂસ, ત્રણ મોંઘી ઘડિયાળ, ચાર તોલા સોનાના દાગીના અને બે લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી. ચોરીની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી હતી. ૧૨ દિવસની તપાસ બાદ પોલીસને કડી મળી હતી કે આ કામ મૂળ બિહારના હાઈ-પ્રોફાઇલ ચોર મોહમ્મદ ઇરફાનનું છે. આથી તેને પંજાબના જાલંધર શહેરમાં એક બાંધકામની સાઇટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧.૨૦ કરોડ રૂપિયાની માલમતા સહિત જૅગ્વાર કાર જપ્ત કરી હતી. આગળની તપાસમાં તેણે ચોરીનો માલ મુંબઈમાં વેચવા આપ્યો હોવાનું જણાતાં પોલીસે શમીમ શેખ, અબ્રાર શેખ અને રાજુ મ્હાત્રે નામના આરોપીઓની મુંબઈના ધારાવીમાંથી ધરપકડ કરી હતી.


બ્લૅક મનીની શોધમાં ચોરી

પુણે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મોહનદાસ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી ૨૮ જાન્યુઆરીએ જેલમાંથી છૂટ્યો હતો અને પુણેમાં ચોરી કરી હતી. ચોરનું માનવું છે કે મોટા લોકો પાસે બ્લૅક મની હોય છે એટલે તેમને નિશાન બનાવવા તે ફ્લાઇટમાં તેમ જ મોંઘી કારમાં હાઈ-પ્રોફાઇલ સોસાયટીઓમાં પહોંચતો હતો અને હાથની સફાઈ કરતો હતો. કોર્ટમાંથી અમે તેની બીજી માર્ચ સુધીની કસ્ટડી મેળવી છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ.’


મુંબઈમાં ચોરીના માલનું વેચાણ

દેશભરમાંથી દાગીના સહિતની કીમતી વસ્તુઓ ચોરી કર્યા બાદ એનું વેચાણ તે મુંબઈમાં કરતો હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે. આરોપી મોહમ્મદ ઇરફાને મુંબઈમાં કેટલાક લોકો સાથે સારા સંબંધ બનાવ્યા છે, જેની મદદથી તે ચોરીનો માલ અહીં વેચતો હતો. પુણેમાં જગદીશ કદમના ઘરમાંથી તેણે ચોરેલી કીમતી ઘડિયાળ અને સોનાના દાગીના મુંબઈમાં જ વેચવા માટે આપ્યાં હોવાનું જણાતાં પોલીસે ૨૬ ફેબ્રુઆરીએ અહીંથી શમીમ શેખ, અબ્રાર શેખ અને રાજુ મ્હાત્રે નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

પૉશ સોસાયટી શોધતો

પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઇરફાન ચોરીને અંજામ આપતાં પહેલાં ગૂગલમાં પૉશ સોસાયટી સર્ચ કરતો હતો. આવી સોસાયટીમાં રહેતા લોકોનાં ઘરમાં દાગીના અને રોકડ રકમની સાથે કીમતી વસ્તુઓ હોય છે એ તે સારી રીતે જાણે છે એટલે આવા લોકોને નિશાન બનાવતો હતો. ટાર્ગેટ નક્કી થયા બાદ તે ફ્લાઇટથી જે-તે શહેરમાં પહોંચતો અને બાદમાં જૅગ્વાર જેવી લક્ઝુરિયસ કારમાં પૉશ સોસાયટીમાં જતો એટલે તેના પર કોઈને શક નહોતો જતો. ૨૦૦૬માં નોટબંધી કરવામાં આવી એના થોડા દિવસ પહેલાં જ તેણે દિલ્હીમાં એક જસ્ટિસના ઘરમાંથી ૬૫ લાખ રૂપિયા કૅશની ચોરી કરી હતી. જસ્ટિસે ચોરીની ફરિયાદ નહોતી નોંધાવી, પણ પકડાઈ ગયેલા ઇરફાને પોલીસમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું છે.

ચોરીના રૂપિયાથી વિકાસનું કામ

પોલીસની તપાસમાં એવું પણ જણાયું છે કે આરોપી ઇરફાને તેના બિહારના સીતામઢી જિલ્લામાં આવેલા જોગિયા ગામમાં વિકાસનાં કામ કરવાની સાથે ગરીબોને મદદ કરી છે. આથી તે અહીં રૉબિનહુડ કે ઉજાલાના નામે જાણીતો છે. ચોરીના રૂપિયાથી ઇરફાને તેની પત્ની ગુલશન પરવીનને જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિજયી બનાવી હોવાનું પણ કહેવાય છે.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2023 07:59 AM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK