ઘરમાં સૂતેલી તેમની સાત વર્ષની દીકરી આયેશા અખ્તરનું ઘટનાસ્થળે જ બળીને મૃત્યુ થયું હતું
બિલાલ હુસેનના ઘરમાં બદમાશોએ આગ લગાવી દીધી હતી.
બંગલાદેશમાં ચાલી રહેલી રાજકીય અશાંતિ વચ્ચે શનિવારે વહેલી સવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલેદા ઝિયાની બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના નેતા બિલાલ હુસેનના ઘરમાં બદમાશોએ આગ લગાવી દીધી હતી. ઘરમાં સૂતેલી તેમની સાત વર્ષની દીકરી આયેશા અખ્તરનું ઘટનાસ્થળે જ બળીને મૃત્યુ થયું હતું, જ્યારે પરિવારના ત્રણ અન્ય સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ હુમલાખોરોએ પહેલાં ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા. પછી પેટ્રોલ છાંટીને આખા ઘરને આગ લગાવી દીધી હતી. આખો પરિવાર અંદર સૂઈ રહ્યો હતો. આયેશાનું મૃત્યુ થયું હતું પણ બિલાલ હુસેનની બે દીકરીઓ ૧૬ વર્ષની સલમા અખ્તર અને ૧૪ વર્ષની સામિયા અખ્તર ગંભીર રીતે દાઝી ગઈ હતી.
બિલાલ ઘર તોડીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. તેમની પત્ની નજમા પણ તેમના ચાર મહિનાના પુત્ર અબીર અને છ વર્ષના પુત્ર હબીબ સાથે ભાગી જવામાં સફળ રહી હતી. જોકે ત્રણેય બહેનો એક જ રૂમમાં સૂતી હોવાથી તેમને બચાવવામાં મોડું થયું હતું.


