મુંબઈમાં ગઈ કાલે બધે જ લોકો અને વાહનોનો વધુ પડતો ત્રાસરૂપ ટ્રાફિક જૅમ દેખાયો : પાંચ દિવસના લાંબા વેકેશન બાદ લોકો બૅન્ક, મંત્રાલય, કોર્ટ અને મ્હાડાનાં બાકી કામ પૂરાં કરવા મોટી સંખ્યામાં ઊમટ્યા : ટ્રાફિક જૅમને કારણે અનેક લોકો અટવાયા તો અનેક...

બાંદરામાં ગઈ કાલે મ્હાડાની ઑફિસની બહાર લોકોની લગભગ એક કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગી ગઈ હતી. ઐશ્વર્યા દેવધર
મુંબઈ : પાંચ દિવઅસના લાંબા વેકેશન બાદ ગઈ કાલે પહેલો વર્કિંગ ડે હતો. પરિણામે રસ્તામાં વાહનોની લાંટવાબી કતારો સાથે ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. વધુમાં લોકો બૅન્ક, મંત્રાલય, કોર્ટ અને મ્હાડા જેવી ઑફિસોમાં વિવિધ કામકાજ માટે મોટી સંખ્યામાં આવ્યા હતા. ગયા ગુરુવારે અનંત ચતુર્દશીને કારણે રજા હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે ઘોષણા કરી હતી કે શુક્રવારે ઈદને કારણે રજા રહેશે. એને કારણે ઘણા પબ્લિક અને પ્રાઇવેટ એકમો બંધ રહેતાં પાંચ દિવસની રજા હતી.
મંગળવારે સવારથી રોડ પર ભારે ભીડ હતી. સોફિયા કૉલેજની સ્ટુડન્ટ અનુશ્રી ચૌરસિયાએ કહ્યું હતું કે ‘મારે ફોર્ટ અને કાલા ઘોડા જવાનું હતું. જોકે બે વાગ્યે કોર્ટ પાસે ભારે ભીડ હતી. પગપાળા જવામાં પણ મુશ્કેલી થતી હતી. હું લગભગ એક કલાક સુધી અટવાઈ ગઈ હતી. ફાઉન્ટન પાસે મોટી સંખ્યામાં ગિરદી હતી. મને એમ કે લોકો કોર્ટમાં આવ્યા હશે અથવા બૅન્કના કામકાજ માટે આવ્યા હશે.’
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કામ કરતા રિતેશ ખેડેકરે કહ્યું હતું કે ‘વાયા વેસ્ટર્ન એક્સપ્રેસ બોરીવલીથી ઍરપોર્ટ જતાં સવારે ૧૦થી ૧૧ વાગ્યા દરમ્યાન એક કલાક લાગે છે, પણ ગઈ કાલે અઢી કલાક થયા. પરિણામે ઑફિસે જતાં મોડું થઈ ગયું.’
અન્ય પ્રવાસી વિનોદ અલ્મેડાએ કહ્યું હતું કે ‘હું દરરોજ બાંદરા સ્ટેશનથી બીકેસી જઉં છું. દરરોજ અહીં ભીડ હોય છે, પરંતુ આજની ભીડ અભૂતપૂર્વ હતી. એક પણ ટ્રાફિક પોલીસ નહોતો. બન્ને તરફ શૅર-એ-રિક્ષા ભરાયેલી હતી. માત્ર સ્ટેશન રોડ જ નહીં, નાની ગલીઓમાં પણ ટ્રાફિક હતો.’
ઘાટકોપરમાં રહેતા સની કદમે કહ્યું હતું કે ‘હું દરરોજ ઘાટકોપરથી પરેલ જાઉં છું. પીક-અવર્સમાં ૪૫થી ૫૦ મિનિટ લાગે છે, પરંતુ આજે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક-જૅમ હોવાને કારણે દોઢ કલાક લાગ્યો હતો. અમર મહલ જંક્શન, ચેમ્બુરથી સુમનનગર પાસે ૧૧ વાગ્યા બાદ પણ ટ્રાફિક જોવા મળ્યો હતો.
મ્હાડાની બહાર એક કિલોમીટર લાંબી લાઇન
બાંદરામાં આવેલી મ્હાડાની ઑફિસની બહાર હંમેશાં લાઇન હોય છે, પરંતુ ગઈ કાલે એક કિલોમીટર લાંબી લાઇન હતી. મ્હાડાના પીઆરઓ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે ‘લાઇનનાં બે કારણ હતાં. ઘર માટે અમે ૧.૫૦ લાખ મિલમજૂરો પાસેથી ફૉર્મ અને ડૉક્યુમેન્ટ્સ મગાવ્યાં છે. બીજાં કામો માટે પણ લોકો આવે છે. પાંચ દિવસની રજા આવી ગઈ હતી એને કારણે લાંબી લાઇન જોવા મળી હતી. લાઇન ઓછી કરવા માટે અમે બીજા એક સ્થળે પણ ડૉક્યુમેન્ટ્સ લેવાની વ્યવસ્થા કરી હતી.’
ગઈ કાલે મંત્રાલયમાં પણ ભારે ભીડ હતી. બાકી દિવસોની સરખામણીમાં વધુ માત્રામાં વાહનો મંત્રાલયની દિશામાં જઈ રહ્યાં હતાં.

