જામીન પર છૂટીને ફક્ત ૧૫ દિવસમાં કરી ચાર ચોરી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૧૫ દિવસ પહેલાં જામીન પર છૂટેલા ચોરે વસઈ અને નાયગાંવમાં ચાર ચોરી કરી હતી. તેની સામે ટૂ-વ્હીલરની ચોરીના બે અને સોનાની ચેઇનની ચોરીના બે કેસ નોંધાયા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આશરે ૭૦૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરી ચોરને શોધીને તેની ધરપકડ કરી હતી. નાલાસોપારામાં રહેતો ૨૮ વર્ષનો આરિફ શેખ ૨૪ એપ્રિલે જેલમાંથી જામીન પર મુક્ત થયો હતો. ત્યાર બાદ તેણે નાલાસોપારાના તુળીંજમાં બાઇકની ચોરી કરી હતી. ૩૦ એપ્રિલે નાયગાંવમાં
બાઇકની ચોરી કરી હતી અને બીજા દિવસે એ જ જગ્યાએથી તેણે મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી કરી હતી. આ બાઇક પર ફરી તેણે માણિકપુરમાં બીજી મહિલાની સોનાની ચેઇનની ચોરી કરી હતી. માત્ર ૧૫ દિવસમાં તેણે સોનાની બે ચેઇન અને બે બાઇકની ચોરી કરી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે લગભગ ૭૦૦ CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરીને તેની ધરપકડ કરી હતી. આ આરોપી ડ્રગ-ઍડિક્ટ છે અને તેની સામે મુંબઈમાં ૧૩ ગુનાહિત રેકૉર્ડ છે. પોલીસે ચોરીની બન્ને બાઇક અને સોનાની ચેઇન જપ્ત કરી છે.’