બજેટમાં દિવ્યાંગ કલ્યાણ યોજના હેઠળ માસિક પેન્શન અને શૈક્ષણિક પહેલ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓની જોગવાઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કલ્યાણ-ડોમ્બિવલીનાં મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઇન્દુરાની જાખડે મંગળવારે વર્ષ ૨૦૨૪-’૨૫ માટે ૩૧૮૨ કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી હતી, જેમાં કોઈ કરવધારો નથી.પત્રકારો સાથે વાત કરતાં ડૉ. ઇન્દુરાની જાખડે જણાવ્યું હતું કે ‘બજેટ સામાજિક કલ્યાણ અને પર્યાવરણીય સ્થિરતા પર કેન્દ્રિત છે. બજેટમાં દિવ્યાંગ કલ્યાણ યોજના હેઠળ માસિક પેન્શન અને શૈક્ષણિક પહેલ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓની જોગવાઈઓ સામેલ છે. મહિલા હૉસ્ટેલ, લાયક વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને બેઘર નાગરિકો માટે આશ્રયસ્થાનોની સ્થાપના માટે પણ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. કેડીએમસીએ સ્મશાનને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં રૂપાંતરિત કરવાની તથા ગ્રીન કવર વધારવા અને ઑટિઝમ ધરાવતાં બાળકો માટે સુસજ્જ બગીચા વિકસાવવા, નવીન મિયાવાકી પદ્ધતિનો અમલ કરવાની યોજનાઓનું અનાવરણ કર્યું છે. સુધરાઈને નાગરિક વેરામાંથી ૭૦૦.૧૫ કરોડ રૂપિયા, જીએસટી ગ્રાન્ટ દ્વારા ૩૦૮.૫૭ કરોડ રૂપિયા અને સ્પેશ્યલ ઍક્ટ્સમાંથી ૬૬૧.૫૦ કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે.