૨૮ જાન્યુઆરીની રાતે બનેલી આ વિચિત્ર ઘટનામાં પોલીસે છ જણની ધરપકડ કરી છે
રમેશ વરઠા
પાલઘરના જંગલમાં શિકાર કરવા ગયેલા ત્યાંના એક ગામના ગ્રુપે પોતાના જ છૂટા પડી ગયેલા સાથીઓને જંગલી ડુક્કર સમજીને ભૂલથી ગોળી મારી હતી જેમાં એક જણ જગ્યા પર જ મૃત્યુ પામ્યો હતો, જ્યારે બીજાનું સારવાર દરમ્યાન અવસાન થયું હોવાનું કહેવાય છે.
૨૮ જાન્યુઆરીની રાતે બનેલી આ વિચિત્ર ઘટનામાં પોલીસે છ જણની ધરપકડ કરી છે. પાલઘરના સબ-ડિવિઝનલ પોલીસ-ઑફિસર અભિજિત ધારાશિવકરે કહ્યું હતું કે ‘ગામવાસીઓનું એક ગ્રુપ મનોર પાસે બોરશેતી જંગલમાં જંગલી ડુક્કરનો શિકાર કરવા ગયું હતું ત્યારે અમુક લોકો ગ્રુપથી છૂટા પડી ગયા હતા. એવામાં એક જણે ભૂલથી આ લોકોને જંગલી ડુક્કર સમજીને તેમના પર ગોળી ચલાવી દીધી હતી, જેમાં ૬૦ વર્ષના રમેશ વરઠાનું જગ્યા પર જ મોત થયું હતું અને બીજાને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાને લીધે પૅનિક થઈ ગયેલા ગ્રુપે એની માહિતી પોલીસને આપવાને બદલે રમેશ વરઠાની બૉડીને ઝાડીઓમાં છુપાવી દીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ અમે તપાસ શરૂ કરીને છ શકમંદોની અટક કરી છે. સઘન તપાસ બાદ બુધવારે અમને રમેશ વરઠાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. અમે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે એને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે.’
ADVERTISEMENT
એવું કહેવાય છે કે ઘાયલ વ્યક્તિનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું અને ગામવાળાઓએ પોલીસને જાણ કર્યા વગર જ તેના અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા. જોકે આ વાતમાં કેટલું તથ્ય છે એની પોલીસે તપાસ શરૂ કરી છે.


