મીરા રોડમાં મર્ડર કરાયું એ યુવતી અને તેના પાર્ટનર વચ્ચે જૉગિંગ દરમ્યાન ઝઘડો થતાં તે બીજે રહેવા ચાલી ગઈ હતી : થોડા દિવસ પછી તે પાછી આવી ત્યારે પ્રી-પ્લાન્ડ મર્ડર કરાયું હોવું જોઈએ એ વિશે પોલીસ તપાસ કરશે :

આરોપી મનોજ સાને અને તેની લિવ-ઇન પાર્ટનર સરસ્વતી વૈદ્ય.
મુંબઈ : મીરા રોડના ફ્લાયઓવરની બાજુમાં આવેલા ગીતાનગર ફેઝ-૭ના આકાશદીપ બિલ્ડિંગમાં રહેતા ૫૬ વર્ષના મનોજ સાનેએ તેની યુવાન પત્ની સરસ્વતીની ક્રૂરપણે હત્યા કરી, તેના મૃતદહના કટરથી કટકા કરી, કુકરમાં બાફી, મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને નિકાલ કરવાનો પ્રયાસ કર્યો એ જોતાં તેણે આ બધું પ્રી-પ્લાન્ડ કર્યું હોવું જોઈએ એવી શક્યતા પોલીસને જણાઈ રહી છે. આ કૃત્ય ક્ષણિક આવેશમાં થયું હોય એવું નથી એમ પોલીસને લાગી રહ્યું છે. બીજું, મનોજ અને સરસ્વતી બંને રોજ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ તેમના કૉમ્પ્લેક્સની સામે આવેલા ફ્લાયઓવરની નીચેના ગાર્ડનમાં જૉગિંગ કરવા જતાં હતાં. અંદાજે પાંચ ફુટ ૧૧ઇંચની હાઇટ ધરાવતો મનોજ વૉક કરતો હતો, જ્યારે સરસ્વતી રનિંગ કરતી હતી. એવું જાણવા મળ્યું છે કે થોડા દિવસ પહેલાં બંને વચ્ચે જૉગિંગ કરતાં-કરતાં પણ ઝઘડો થયો હતો અને પછી સરસ્વતી છેલ્લા આઠ-દસ દિવસથી તેના મિત્રને ત્યાં રહેવા જતી રહી હતી. એકલા પડી ગયેલા મનોજે ત્યાર બાદ તેને બહુ વિનવણી કરી થોડી વાર મળવા આવી જા એમ કહીને મળવા બોલાવી હતી અને તે રવિવારે મળવા આવી ત્યારે તેની હત્યા કરી નાખી હતી. આ બાબતે નયાનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે પોલીસ આ વિશે પણ તપાસ કરશે.
આ દંપતી વિશે જણાવતાં તેમના બિલ્ડિંગમાં રહેતા એક રહેવાસીએ કહ્યું હતું કે ‘તેઓ છેલ્લાં પાંચ વર્ષથી એ કૉમ્પ્લેક્સમાં રહેતાં હતાં. આકાશદીપ બિલ્ડિંગમાં તેઓ ત્રણ વર્ષથી રહેતાં હતાં, પણ કોઈની સાથે કોઈ જાતનો સંબંધ રાખ્યો નહોતો. રોજ સવારે તેઓ જૉગિંગ માટે નીકળતાં, પણ સામે મળે તો સ્માઇલ ન કરે કે હાય-હલો પણ ન કરે. પુરુષ વૉક કરે, જ્યારે લેડીઝ રનિંગ કરતી. તે લેડીઝ ઘણી વાર ત્યાં આજુબાજુમાં ફરતા રહેતા શ્વાનને વહાલ કરતી પણ દેખાતી. તે ઍનિમલ લવર હોવાનું લાગતું. જોકે એ દંપતી એવું હતું કે તે એ જ મકાનમાં રહે છે એની પણ ઘણાને જાણ નહોતી. તે માણસ કામથી કામ રાખતો. સવારે તે બાઇક લઈને કામ પર નીકળી જતો અને રાતે પાછો આવતો. લિફ્ટ બંધ હોય તો પણ કોઈ ફરિયાદ નહીં. હા, જો પાણીજ ન આવ્યું હોય તો સામેવાળા પરિવાર પાસેથી થોડું પાણી તે મહિલા માગી લેતી માગતી. જોકે એ વખતે પણ જરૂરિયાત પૂરતું જ બોલતી. તેમની વચ્ચે બીજો કોઈ સંબંધ નહોતો. આ દંપતી પ્રસંગોપાત કે હોળી, દિવાળીએ પણ દરવાજો નહોતું ખોલતું. રંગોળી નહીં, દીવા નહીં, કંઈ નહીં. સાદું શુભ-લાભ પણ દરવાજા પર લગાડેલું નથી.’
આ દંપતીના એક પાડોશીએ કહ્યું હતું કે ‘રવિવારથી થોડી-થોડી વાસ આવતી હતી, પણ એ જ દિવસોમાં અમારા મકાનમાં ભોંયતળિયામાં ડ્રેનેજની નવી લાઇન નાખવા ખોદકામ ચાલુ કરાયું હતું એટલે અમને એમ લાગ્યું કે એને કારણે લિફ્ટના ડક્ટિંગમાંથી વાસ આવતી હશે. બીજું, તેમની બારીઓ અને કિચન બીજી બાજુ પડે છે એટલે એ સાઇડના લોકોને દુર્ગંધ વધુ આવતી હતી. જોકે એ શા કારણે આવે છે એની ચોક્કસ ખબર નહોતી પડી રહી.’