ગૌરક્ષક મરાઠા મોરચામાં બૉમ્બ ફેંકવાનો હતો એવા ખોટા નિવેદન બદલ શરદ પવાર જૂથના વિધાનસભ્ય સામે તવાઈ
જિતેન્દ્ર આવ્હાડ
થાણેની કોર્ટે શરદ પવાર જૂથના કલવા-મુમ્બ્રા મતદારક્ષેત્રના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સામે ફર્સ્ટ ઇસ્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાનો આદેશ આપ્યો છે. ૨૦૧૮માં મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ નાલાસોપારામાંથી ગૌરક્ષક વૈભવ રાઉતની ધરપકડ કરી હતી ત્યારે આરોપી વૈભવ મરાઠા મોરચામાં બૉમ્બ ફેંકવાનો હતો એવો દાવો જિતેન્દ્ર આવ્હાડે કર્યો હતો. જોકે બાદમાં આ મામલાની તપાસમાં કંઈ જણાયું નહોતું એટલે જિતેન્દ્ર આવ્હાડે સમાજમાં દ્વેષ ફેલાવવાને ઇરાદે નિવેદન આપ્યું હોવાનું જણાતાં થાણેની કોર્ટે વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સામે ફરિયાદ નોંધીને તપાસ કરવાનો આદેશ ૩ ફેબ્રુઆરીએ આપ્યો હતો.
જિતેન્દ્ર આવ્હાડ સામે કાર્યવાહી કરવાની માગણી કરતી અરજી કોર્ટમાં દાખલ કરનારા હિન્દુ ટાસ્ક ફોર્સના સ્થાપક ઍડ્વોકેટ ખુશ ખંડેલવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૮માં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનીની સરકાર હતી. સમાજમાં દ્વેષ ફેલાવવાના ઇરાદે વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે ગૌરક્ષક વૈભવ રાઉતની ધરપકડને લઈને ભડકાવનારું નિવેદન આપ્યું હતું. આથી તેની સામે કાર્યવાહી કરવાની માગણી મેં પહેલાં ભાઈંદર પોલીસ સ્ટેશનમાં કરી હતી. પોલીસે ફરિયાદ ન લેતાં થાણે કોર્ટમાં અરજી કરી હતી. થાણેની કોર્ટે અરજી ફગાવી દીધી હતી એટલે હાઈ કોર્ટમાં દાદ માગી હતી. બૉમ્બે હાઈ કોર્ટે સુનાવણી કરતાં મારી માગણી યોગ્ય હોવાનું માન્ય રાખ્યું હતું અને થાણેની કોર્ટના નિર્ણયને રદ કરીને પોલીસને FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે.’


