આ મામલે થાણે નગર પોલીસ સ્ટેશનમાં પૂર્ણિમા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં ઍન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલ (AHTC)એ બુધવારે બપોરે થાણે સ્ટેશન નજીક આવેલી એક નામચીન હોટેલમાં દરોડો પાડીને હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ ચલાવતી ૨૮ વર્ષની પૂર્ણિમા ગાયકવાડની ધરપકડ કરીને અન્ય ત્રણ મહિલાઓને ઉગારી લીધી હતી. આ મામલે થાણે નગર પોલીસ સ્ટેશનમાં પૂર્ણિમા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસ કરતાં પૂર્ણિમા સોશ્યલ મીડિયા પર ગ્રાહકોનો સંપર્ક કરતી અને ત્યાર બાદ યુવતીના ફોટો મોકલીને થાણેની હોટેલમાં બોલાવતી હતી.
ત્રણ યુવતીઓ માટે આરોપી મહિલાએ લાખો રૂપિયા અમારા બોગસ ગ્રાહકો પાસેથી લીધા હતા એમ જણાવતાં થાણે AHTCનાં પોલીસ-ઇન્સ્પેક્ટર ચેતના ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખાતરીલાયક સૂત્રો પાસેથી અમને માહિતી મળી હતી કે એક મહિલા સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડશિપ કર્યા બાદ સેક્સ-રૅકેટ ચલાવે છે જેના આધારે અમે ડમી ગ્રાહક મોકલ્યો હતો. તેણે સોશ્યલ મીડિયા દ્વારા મહિલા સાથે ફ્રેન્ડશિપ કરી હતી. ત્યાર બાદ મહિલાએ ત્રણ યુવતીઓના ફોટો મોકલીને તેમની સાથે સંબંધ બાંધવા માટે પૈસાની માગણી કરી હતી. એ ઉપરાંત ત્રણે યુવતીઓ માટે થાણે નજીક એક હોટેલમાં રૂમ પણ બુક કરવાનું કહ્યું હતું. આરોપી મહિલાને અમારે રંગેહાથ પકડવી હતી એટલે અમે તેના કહ્યા પ્રમાણે કર્યું હતું. એ દરમ્યાન બુધવારે બપોરે અમે બોગસ ગ્રાહકનો ઇશારો થતાં આરોપી મહિલાને હોટેલમાં જ ઝડપી લીધી હતી. એ મહિલા કલ્યાણમાં રહેતી હોવાની માહિતી મળી છે. એ સાથે જે ત્રણ યુવતીઓ હતી એ થાણેમાં રહેતી હોવાની માહિતી અમને મળી છે. આ ત્રણેત્રણ મહિલાઓને સુધારગૃહમાં મોકલી દેવામાં આવી છે.’

