સુધરાઈએ સોસાયટીઓ પર પેસ્ટ કન્ટ્રોલની જવાબદારી નાખી છે, પણ એ એક્સપર્ટ્સનું કામ હોવાથી TMCના આ ફતવાને અમલમાં ન મૂકવાનો લેવામાં આવ્યો હતો નિર્ણય
થાણેમાં આયોજિત કરાયેલા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઓના અધિવેશનને અભૂતપૂર્વ સફળતા મળી હતી. અનેક સોસાયટીના પ્રતિનિધિઓએ એમાં હાજરી આપી હતી.
થાણેમાં પહેલી જ વાર હાઉસિંગ સોસાયટીઓનું ત્રણ દિવસનું અધિવેશનનું આયોજન ધ થાણે ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ હાઉસિંગ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હાઉસિંગ સોસાયટીઓને લગતી અનેક બાબતોને સાંકળી લઈ એના પર ચર્ચા કરવામાં આવી હતી. આ અધિવેશનને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને અનેક સોસાયટીઓના પ્રતિનિધિઓ એમાં હાજર રહ્યા હતા જેમાં અનેક મહત્ત્વના ઠરાવ પાસ કરવામાં આવ્યા છે. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા ૫૦ કરતાં વધુ સભ્યો ધરાવતી સોસાયટીઓને TMC દ્વારા અપ્રૂવ કરાયેલી પેસ્ટ કન્ટ્રોલ એજન્સીઓ પાસે મચ્છરો અને ઇયળોને મારવા પેસ્ટ કન્ટ્રોલ કરાવી એનું સર્ટિફિકેટ TMCમાં જમા કરાવવાનો જે સર્ક્યુલર બહાર પાડ્યો હતો એનું પાલન ન કરવાનો ઠરાવ આ અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો.
ફેડરેશનના ચૅરમૅન સુનીલ રાણેએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મચ્છરો અને ઇયળો પર જે પેસ્ટ કન્ટ્રોલ કરવાનું હોય એ કામ સુધરાઈનું છે અને એ જોખમી પણ છે. એ બરાબર થયું કે નહીં એ અમે ન કહી શકીએ. વળી એમાં એજન્સી પર નિર્ભર રહેવું પડે. આ કામ સુધરાઈએ જ કરવું જોઈએ. હાઉસિંગ સોસાયટીઓ પર એ ઢોળી દેવાથી ન ચાલે. આ જ કારણસર TMCના આ ફતવાનો અમે વિરોધ કરીએ છીએ. સોસાયટીઓને અમે આ સર્ક્યુલરની અમલબજાવણી કરવાની ના પાડી છે. જો TMC કોઈ પણ પ્રકારનો વાંધો લે કે ઍક્શન લેવાની વાત કરે તો એ સોસાયટીએ અમારો સંપર્ક કરવો, અમે તેમના વતી સુધરાઈમાં રજૂઆત કરીશું.’


