ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામેની વધુ તપાસ રાબોડી પોલીસ-સ્ટેશનને ટ્રાન્સફર કરી છે.
પ્રતીકાત્મક તસવીર
થાણેની સેન્ટ્રલ યુનિટ ક્રાઇમ બ્રાન્ચે સાકેત વિસ્તારમાંથી ૧૦ દેશી બૉમ્બ સાથે ૪૫ વર્ષના સુભાષ પહેલેકરની મંગળવારે ધરપકડ કરી હતી. પ્રાથમિક માહિતીના આધારે આરોપીએ સાતારામાંથી આ બૉમ્બ મેળવ્યા હતા અને થાણેમાં વેચવા આવ્યો હોવાની માહિતી પોલીસને મળી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામેની વધુ તપાસ રાબોડી પોલીસ-સ્ટેશનને ટ્રાન્સફર કરી છે.
સેન્ટ્રલ યુનિટ ક્રાઇમના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય શિંદેએ જણાવ્યું હતું કે ‘આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. અમને માહિતી મળી હતી કે સુભાષ દેશી બૉમ્બનો એક જથ્થો થાણેના સાકેત વિસ્તારમાં વેચવા આવી રહ્યો છે. ત્યાર બાદ અમે મળેલી માહિતીના આધારે સર્ચ-ઑપરેશન શરૂ કરીને સુભાષની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન તેની બૅગમાંથી ૧૦ દેશી બનાવટના બૉમ્બ મળી આવ્યા હતા. આરોપીની વધુ તપાસ કરતાં તે રાયગડ જિલ્લાના માનગાંવનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને તે માત્ર વિસ્ફોટકો વેચવા થાણે આવ્યો હતો. સુભાષે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે બૉમ્બ ઘઉંના લોટમાં છુપાવીને વેચવા માટે લાવ્યો હતો. આવા વિસ્ફોટકોનો ઉપયોગ જંગલી પ્રાણીઓનો શિકાર કરવા માટે થતો હતો જે થાણેના ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય રીતે કરવામાં આવે છે.’


