Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રસ્તા પર લટકતા વીજળીના લાઇવ વાયરે જીવ લીધો ૬ વર્ષના બાળકનો

રસ્તા પર લટકતા વીજળીના લાઇવ વાયરે જીવ લીધો ૬ વર્ષના બાળકનો

Published : 06 May, 2026 11:15 AM | Modified : 06 May, 2026 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેના શ્રીનગરમાં આવેલા ઇન્દિરાનગરમાં સોમવારે રાતે ઘરની બહાર નીકળેલા ૬ વર્ષના સમીર શેખનું વીજળીના લાઇવ વાયરના સંપર્કમાં આવતાં મોત થયું હતું

સોમવારે રાતે પોલીસ-સ્ટેશનની બહાર ભેગા થયેલા લોકો.

સોમવારે રાતે પોલીસ-સ્ટેશનની બહાર ભેગા થયેલા લોકો.


થાણેના શ્રીનગરમાં આવેલા ઇન્દિરાનગરમાં સોમવારે રાતે ઘરની બહાર નીકળેલા ૬ વર્ષના સમીર શેખનું વીજળીના લાઇવ વાયરના સંપર્કમાં આવતાં મોત થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર 
વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને સ્થાનિક રહેવાસીમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સોમવારે મોડી રાતે સ્થાનિક નાગરિકોએ પોલીસ-સ્ટેશનની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. જોકે લાગતાવળગતા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યા બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યા અનુસાર આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે બાળક અજાણતાં વીજળીના ખુલ્લા વાયરને અડી ગયો હતો અને એને કારણે તેને વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો અને તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો.

શું બન્યું હતું?
શ્રીનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે ૧૦ વાગ્યે આ બાળક પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો હતો. અંધારામાં તેને રસ્તા પર લટકતો વીજળીનો લાઇવ વાયર દેખાયો નહોતો. જેવો તેનો હાથ આ વાયરને અડ્યો ત્યારે જોરદાર શૉક લાગ્યો હતો. પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક તેને હૉસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતાં બાળકના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. બાળકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સોમવારે મોડી રાતે સેંકડો લોકો પોલીસ-સ્ટેશનની બહાર ભેગા થઈ ગયા હતા અને કલાકો સુધી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ MSEDCLના અધિકારીઓ પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા હતા. લોકોનું કહેવું હતું કે વિસ્તારમાં વીજળીની લાઇનની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવે છે જેને કારણે આ માસૂમનો ભોગ લેવાયો છે. ઉશ્કેરાયેલા ટોળાએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે એ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK