મુંબઈ સહિતના વિસ્તારોમાં એક દિવસ રાહત રહ્યા બાદ આગામી દિવસોથી તાપમાનમાં વધારો થવાની આગાહી

અહમદનગરમાં ગઈ કાલે કમોસમી વરસાદની સાથે જોરદાર કરા પડ્યા હતા.
વાતાવરણમાં હાલ એવો પલટો જોવા મળી રહ્યો છે જેની અસરને કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એ પણ પાછો છેલ્લા ચાર દિવસથી. એને કારણે ખેતીના પાક અને ફળો ઉપરાંત શાકભાજીને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ઊભા પાકનો સોથ વળી રહ્યો છે. ગઈ કાલે પણ નાશિક અને મરાઠવાડામાં વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં, કરા પડ્યા હતા અને ખેતરના પાક પર એની માઠી અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને કારણે અન્ય પાક સાથે ગરીબોની કસ્તુરી ગણાતા કાંદાના પાકને પણ ભારે નુકસાન થયું છે. જોકે હજી બે દિવસ કમોસમી ઝાપટાં પડી શકે એવી આગાહી વેધશાળા દ્વારા કરવામાં આવી છે. મુંબઈમાં એકાદ દિવસ અત્યારે છે એવું વાતાવરણ રહેશે, પણ બાદમાં ફરી પારો ઉંચકાશે એટલે ગરમીમાં વધારો થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન હવામાં ભેજના પ્રમાણમાં ઘટાડો થવાની સાથે આકાશમાં વાદળો ગાયબ થશે એટલે ગરમીમાં ફરી વધારો થઈ શકે છે. ગઈ કાલે કોલાબા અને સાંતાક્રુઝમાં મૅક્સિમમ ૩૧.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કમોસમી વરસાદની મુંબઈ નજીક કોઈ અસર નહીં રહે. જોકે મધ્ય મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ અને કરા પડી રહ્યા છે એ સિલસિલો હજી થોડા દિવસ કાયમ રહેવાની શક્યતા છે.
નાશિક, અહમદનગર સહિત મરાઠવાડા અને વિદર્ભના કેટલાક જિલ્લાઓ જેવા કે હિંગોલી, લાતુર, નાંદેડ, આકોલા, અમરાવતી, નાગપુર, ચંદ્રપુર, ગડચિરોલીમાં ભારે હવા અને ગાજવીજ સાથે આજે વરસાદનાં ઝાપટાં પડી શકે છે એમ વેધશાળાએ જણાવ્યું છે.
એની સામે મુંબઈ સહિત કોંકણ બેલ્ટના જિલ્લાઓ જેમ કે પાલઘર, થાણે, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં આખો દિવસ વાદળાં છવાયેલાં રહેશે, પણ વરસાદની શક્યતા ઓછી દર્શાવાઈ છે. મુંબઈમાં ગઈ કાલે મૅક્સિમમ ટેમ્પરેચર ૩૧.૬ જ્યારે મિનિમમ ટેમ્પરેચર ૨૩.૦ ડિગ્રી નોંધાયું હતું. આમ મિનિમમ અને મૅક્સિમમ ટેમ્પરેચરમાં ૮ ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. પવન માત્ર ૫.૫ કિલોમીટરની ઝડપે હોવાથી અને ભેજનું પ્રમાણ ૬૯ ટકા હોવાથી બહુ જ બફારો હતો અને મુંબઈગરાઓ પરસેવે રેબઝેબ જોવા મળ્યા હતા.