તેજસ્વી ઘોસાળકર કહે છે કે મને પણ બોલાવેલી, પણ જવામાં મોડું થયું એટલે હું બીજા કાર્યક્રમમાં જતી રહી
વિનોદ ઘોસાળકર અને તેજસ્વીએ ગઈ કાલે મંત્રાલય પાસેના શિવાલય ખાતે પત્રકારોને માહિતી આપી હતી
૮ ફેબ્રુઆરીએ બોરીવલીની IC કૉલોનીમાં શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર પર ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં ફાયરિંગ કર્યા બાદ મૉરિસ નોરોન્હાએ પણ પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ મામલામાં બાદમાં મૉરિસના સિક્યૉરિટી ગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મૉરિસને હત્યા કરવા માટે ગન આપવાનો આરોપ છે. ઘટનાના ૪૦ દિવસ બાદ પણ પોલીસ યોગ્ય રીતે તપાસ ન કરી રહી હોવાનો આરોપ અભિષેકના પિતા અને દહિસરના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરે ગઈ કાલે લગાવ્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં અભિષેકની પત્ની અને શિવસેનાની ભૂતપૂર્વ નગરસેવિકા તેજસ્વીએ કહ્યું હતું કે ‘મૉરિસે અભિષેકને ફોન કરીને કહ્યું હતું કે કાર્યક્રમમાં મને પણ સાથે લેતો આવે. આથી હું પણ જવાની હતી. જોકે મને જવામાં મોડું થયું ત્યારે અભિષેકે મને ફોન કરીને બીજા કાર્યક્રમમાં જવા કહ્યું હતું. એનો અર્થ એ થાય છે કે મૉરિસે મને પણ મારવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે મારાં બે બાળકોનાં નસીબ સારાં હશે એટલે હું ત્યાં નહોતી પહોંચી. પોલીસ ખૂબ જ ધીમી ગતિએ આ મામલાની તપાસ કરી રહી છે એટલે હું અમારા વકીલ મારફત તપાસ બીજી યંત્રણાને સોંપવા સંબંધી અરજી હાઈ કોર્ટમાં કરીશ.’
ઉલ્લેખનીય છે કે અભિષેક ઘોસાળકરને કાર્યક્રમમાં બોલાવીને તેના મિત્ર અને બાદમાં દુશ્મન બની ગયેલા મૉરિસે તેની ઑફિસમાં જ ફાયરિંગ કરીને ૮ ફેબ્રુઆરીની સાંજે હત્યા કરી હતી. આ લાઇવ હત્યાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ અરેરાટી વ્યાપી ગઈ હતી.

