બીએમસીએ પાણી બંધ કરતાં અનેક વિસ્તારોમાં લોકોના બેહાલ : ટૅન્કરના ભાવ રાતોરાત વધારી દેવાયા : વધારે પૈસા આપવા છતાં ટૅન્કર મળતાં નથી

બાંદરાની મ્હાડાની મુખ્ય ઑફિસમાં પ્રવેશી રહેલું પાણીનું ટૅન્કર. તસવીર: આશિષ રાજે
મુંબઈ: બીએમસી દ્વારા હાલ પાણી સપ્લાય કરતી પાઇપલાઇનનું મેજર સમારકામ કાઢવામાં આવ્યું હોવાથી મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી નહીં આવે અને કેટલાક વિસ્તારોમાં ઓછું આવશે એવી આગોતરી જાણ કરાઈ હતી અને મુંબઈગરાઓને પાણીનો વપરાશ કાળજીપૂર્વક કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે એમ છતાં ગઈ કાલે પશ્ચિમનાં પરાંઓમાં પાણીની કમીને કારણે લોકોની આંખમાં પાણી આવી ગયાં હતાં. કાંદિવલીમાં રહેતા પંકજ કોટેચાએ તો કહ્યું હતું કે જો આવતી કાલે પાણી આવશે તો નહાઈશું અને નહીં તો રાતા પાણીએ રોઈશું.
કાંદિવલી-વેસ્ટની શંકર ગલીમાં આવેલી અગ્રવાલ રેસિડેન્સીમાં રહેતા પંકજ કોટેચાએ આ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટી મોટી છે અને પાણીની આમ પણ કમી રહે છે, પણ ગઈ કાલે તો ટાંકી તળિયાઝાટક થઈ ગઈ હતી. અમે જેમતેમ કરીને બે ટૅન્કર પાણી મગાવ્યું હતું, પણ એનાથી કંઈ વળે એમ નહોતું. સામાન્ય સંજોગામાં ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયામાં ટૅન્કર મળતું હોય છે એના અમારે ગઈ કાલે ડબલ પૈસા ચૂકવવા પડ્યા હતા. હાલત તો એવી હતી કે પૈસા વધારે આપવા છતાં ટૅન્કર મળતું નહોતું. પાણીનાં ટૅન્કર સપ્લાય કરનારાઓએ ભાવ રાતોરાત વધારી દીધા હતા. અમે સોસાયટીમાં નોટિસ બોર્ડ લગાડી દીધું છે અને સાથે મેસેજ પણ મૂકી દીધો છે કે પાણી ઓછું આવવાનું હોવાથી પાણીનો વપરાશ સંભાળીને કરવો. હાલત એવી છે કે જો આજે સવારે બીએમસીનું પાણી આવ્યું હશે તો નહાઈશું, નહીં તો પછી રાતા પાણીએ રોઈશું.’
કાંદિવલી-ઈસ્ટમાં ઠાકુર કૉમ્પ્લેક્સમાં રહેતા નિર્મલ શાહે પાણીની કમીના પ્રશ્ને કહ્યું હતું કે ‘રહીએ છીએ ફ્લૅટમાં, પણ જે રીતે ચાલીમાં રહેતા લોકો પાણીનાં ડ્રમ ભરી રાખે છે એ રીતે અમારે પણ ભરી રાખવું પડે છે. જે થોડું પાણી આવે છે એ બહુ ઓછું આવે છે અને ગંદું આવે છે અને એ પણ સાચવી-સાચવીને વાપરવું પડે છે. પીવા માટે તો બિસલેરી પર જ આધાર રાખવો પડે છે. ૨૦ લિટર બાટલાના ૭૦, ૮૦, ૧૦૦ રૂપિયા એમ મોંમાગ્યા પૈસાઆપવા પડે છે.’
મલાડ-ઈસ્ટમાં રહેતા વસંત ભારદ્વાજે કહ્યું હતું કે ‘સોમવારે જે થોડુંઘણું પાણી આવ્યું એ ભરી રાખ્યું હતું. મંગળવારે તો પાણી આવ્યું જ નથી. સોમવારે ભરી રાખેલું પાણી તો મંગળવારે સવારે જ ખલાસ થઈ ગયું એ પછી હાલત કફોડી થઈ ગઈ છે. એમાં ઘરે મહેમાન છે. ખાવાનું તો બહારથી ઑર્ડર કરીને મગાવી લીધું, પણ ખરી સમસ્યા વૉશરૂમની છે. ગમે એમ કરીને બિલસેરીના બાટલા લાવવા પડશે અને પીવા સાથે અન્ય ઉપયોગ માટે પણ વાપરવા પડશે.’
સમારકામ પૂરું થયા પછી તબક્કાવાર પાણી અપાશે
બીએમસીના હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા મંગળવારે સાંજે એવી માહિતી આપવામાં આવી હતી કે સોમવારે અને મંગળવારે જે કંઈ સમારકામ હાથ ધરાયું હતું એ બધું જ બીએમસીની ટીમે યુદ્ધના ધોરણે પૂરુ કર્યું છે અને હવે પાણીની સપ્લાય તબક્કાવાર કરવામાં આવશે. જોકે સાવચેતી રાખીને પાણી ઉકાળીને પીવાનું સૂચન તેમના દ્વારા કરાયું છે. મુંબઈગરાએ આ બે દિવસ દરમિયાન આપેલા સાથ-સહકાર બદલ બીએમસીએ લોકોનો આભાર માન્યો હતો.