સુપ્રિયા સુળે કહે છે કે BJPએ જ પવાર પરિવારમાં ફૂટ પડાવી, જવાબમાં પ્રવીણ દરેકરે ચોપડાવ્યું...
સુપ્રિયા સુળે
શરદ પવારના ગઢ બારામતીમાં મહાયુતિએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારને ઉમેદવારી આપતાં અહીંથી ત્રણ વખત સંસદસભ્ય બનેલાં સુપ્રિયા સુળેએ આરોપ કર્યો છે કે BJPએ પવાર પરિવારમાં ફૂટ પાડવા માટે સુનેત્રા પવારને મારી સામે મેદાનમાં ઉતાર્યાં છે. સુનેત્રા પવારને ઉમેદવારી આપ્યા બાદ સુપ્રિયા સુળેએ પહેલી વખત નિવેદન આપતાં એમ પણ કહ્યું હતું કે બારામતીનો વિકાસ નહીં પણ શરદ પવારને ખતમ કરવાનું આ કાવતરું છે, મોટા ભાઈનાં પત્ની મા સમાન છે.
જોકે સુપ્રિયા સુળેને BJPના નેતા પ્રવીણ દરેકરે ગઈ કાલે જવાબ આપતાં કહ્યું હતું કે ‘સુપ્રિયાતાઈ, રાજ્યની જનતાને ખબર છે કે લોકોમાં ફૂટ પાડીને રાજકારણ રાજ્યમાં કયા નેતા કરે છે. તેમણે કેટલા લોકોનાં ઘર ફોડ્યાં છે એ સૌ જાણે છે. તમને ભાભી સુનેત્રા મા સમાન લાગતાં હોય તો માતાના વિરોધમાં ચૂંટણી ન લડીને માતાને સમર્થન આપવું જોઈએ. એક તરફ તમે ભાભીને મા સમાન કહો છો અને બીજી બાજુ તેમની ટીકા કરો છે. આવું ઇમોશનલ રાજકારણ કરવાનું બંધ કરો. લોકસભાની ચૂંટણીમાં દેશના વિષય પર બોલવું જોઈએ. તમે અજિત પવારના પરિવારને કોરાણે મૂકી દીધો છે એ બારામતીની જનતાને ખૂબ ખરાબ લાગ્યું છે. તેઓ મતદાન દ્વારા તમને જવાબ આપશે.’

