સમાજમાં શું સ્વીકાર્ય છે એ ધ્યાનમાં રાખીને ડિજિટલ પ્લૅટફૉર્મ માટે ગાઇડલાઇન્સ બનાવવા કેન્દ્ર સરકારને કહ્યું સુપ્રીમ કોર્ટે
રણવીર અલાહાબાદિયા
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં અશ્લીલ ટિપ્પણી કરનારા રણવીર અલાહાબાદિયાએ દાખલ કરેલી યાચિકાની ગઈ કાલે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે આ જાણીતા યુટ્યુબર અને પૉડકાસ્ટરને વધુ એક રાહત આપી હતી.
કોર્ટે રણવીરને અમુક શરતો સાથે પોતાનો ‘ધ રણવીર શો’ ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. જોકે ન્યાયમૂર્તિએ તેને એક અન્ડરટેકિંગ આપવા કહ્યું હતું. નૈતિકતાને લઈને અપનાવવામાં આવતાં ધારાધોરણનું આ શોમાં પાલન કરવામાં આવશે જેથી કોઈ પણ ઉંમરની વ્યક્તિ એને જોઈ શકે એવું આ અન્ડરટેકિંગમાં લખવાનું કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પહેલાં ગઈ સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે તેની ધરપકડ કરવા સામે વચગાળાની રાહત પણ આપી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ ડિજિટલ કન્ટેન્ટ માટે ગાઇડલાઇન્સ બનાવવાનું કહ્યું હતું. જોકે ન્યાયમૂર્તિએ આ ગાઇડલાઇન્સ બનાવતી વખતે વાણીસ્વાતંય અને નૈતિકતા વચ્ચે બૅલૅન્સ જાળવવાનું સરકારને કહ્યું હતું.
સુનાવણી દરમ્યાન રણવીરના વકીલ અભિનવ ચંદ્રચૂડે ડિવિઝન બેન્ચના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહને રણવીરના શો પરથી પ્રતિબંધ દૂર કરવાની વિનંતી કરી હતી. તેમણે પોતાની દલીલમાં કહ્યું હતું કે મારા અસીલના આ શોને લીધે ૨૮૦ લોકોનું ઘર ચાલે છે.
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં રણવીરે કરેલી બીભત્સ ટિપ્પણીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે ‘રણવીર અલાહાબાદિયાની ટિપ્પણી અભદ્ર નહોતી, વિકૃત હતી. જિજ્ઞાસાને લીધે મેં આ શો જોયો હતો. હ્યુમર અને વલ્ગરિટી એક વાત છે, પણ આમાં તો વિકૃતિની તમામ હદ પાર કરી દેવામાં આવી હતી. સ્ત્રી અને પુરુષની વાત છોડો, હું અને ઍડ્વોકેટ જનરલ પણ સાથે બેસીને એ ન જોઈ શકીએ. ન્યાયમૂર્તિઓ પણ સાથે બેસીને નહીં જોઈ શકે.’
ત્યાર બાદ કોર્ટે કહ્યું હતું કે ‘એક ૭૫ વર્ષની વ્યક્તિ છે જે હ્યુમર શો કરે છે. તમારે એ શો જોવો જોઈએ. આખો પરિવાર સાથે બેસીને એ શો જોઈ શકે છે. એને ટૅલન્ટ કહેવાય. ગંદી ભાષાનો ઉપયોગ કરવાને ટૅલન્ટ ન કહેવાય.’
કેન્દ્ર સરકારને ગાઇડલાઇન્સ બનાવવાનો નિર્દેશ આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે ‘અમે એવાં કોઈ રિસ્ટ્રિક્શન નથી ઇચ્છતા જેને સેન્સરશિપ કહેવાય, પણ એની સાથે ડિજિટલ પ્લૅટફૉર્મ્સને મોકળું મેદાન આપવાના પક્ષમાં પણ અમે નથી. ગાઇડલાઇન્સ બનાવતી વખતે સમાજમાં શું સ્વીકાર્ય છે એનું ધ્યાન રાખવું જરૂરી છે. તમામ વર્ગના લોકોને એમાં સામેલ કરીને શું પગલાં લઈ શકાય એ નક્કી કરવું જોઈએ. એક વાર ગાઇડલાઇન્સનો ડ્રાફ્ટ તૈયાર થઈ જાય તો એને કાયદાનું સ્વરૂપ આપતાં પહેલાં વાંધા-વચકા માટે લોકોની સમક્ષ મૂકવો જોઈએ.’


