Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધર્મ, જાતિ કે ભાષાના આધારે કોઈ નાગરિકને જગ્યા ન આપનારાઓ સામે સખત કાર્યવાહી થવી જોઈએ

ધર્મ, જાતિ કે ભાષાના આધારે કોઈ નાગરિકને જગ્યા ન આપનારાઓ સામે સખત કાર્યવાહી થવી જોઈએ

01 October, 2023 08:04 AM IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

વિવિધ પક્ષના ગુજરાતી નેતાઓએ મુંબઈ જેવા કૉસ્મોપોલિટન શહેરમાં કે બીજા કોઈ પણ સ્થળે ભેદભાવ ચલાવી ન લેવાય એમ કહ્યું

સંસદસભ્ય મનોજ કોટક અને વિધાનસભ્ય મિહિર કોટેચા સાથે તૃપ્તિ દેવરુખકર.

સંસદસભ્ય મનોજ કોટક અને વિધાનસભ્ય મિહિર કોટેચા સાથે તૃપ્તિ દેવરુખકર.મુંબઈ ઃ મુલુંડ (વેસ્ટ)માં આર. પી. રોડ પર પીએમસી કૉલોની નજીક આવેલી શિવસદન સોસાયટીના ગુજરાતી સેક્રેટરી અને તેમના પુત્રે એક મરાઠી મહિલાને ડિજિટલ ઑફિસ ખોલવાની ના પાડવાની સાથે હાથાપાઈ કરવાની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે ગુજરાતી સેક્રેટરી અને તેમના પુત્ર સામે કાર્યવાહી કરી છે, પણ આ બનાવ બાદથી ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે. મરાઠી નેતાઓએ આ ઘટનાને વખોડી કાઢીને મુંબઈમાં ગુજરાતીઓ દ્વારા મરાઠીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે એવો આરોપ મૂક્યો છે. મુંબઈમાં ગુજરાતી નેતાઓ પણ છે. તેમનું પણ કહેવું છે કે ‘કોઈ પણ રાજ્યમાં ધર્મ, જાતિ કે ભાષાના આધારે કોઈને સોસાયટીમાં પ્રવેશ ન આપવો એ યોગ્ય નથી. કેટલાક ડોઢડાહ્યા લોકોને કારણે બે સમાજમાં એકબીજા પ્રત્યે વૈમનસ્ય પેદા થાય છે. આવા લોકો સામે સખત કાર્યવાહી થવી જોઈએ.’

વિધાનસભા ક્ષેત્રના બીજેપીના વિધાનસભ્ય યોગેશ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં રહેતા હોઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિએ અહીંની પરંપરા અને સંસ્કૃતિનું સન્માન જાળવવું જોઈએ. ગુજરાતીઓ અહીં આવીને વસ્યા છે એટલે તેમણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. કેટલાક દોઢડાહ્યા લોકોને લીધે બે સમાજ વચ્ચે કડવાશ ફેલાય છે અને આવી ઘટનાની ગંભીર અસર પહોંચે છે. મારા મતવિસ્તારમાં ગુજરાતીઓ અને મરાઠીઓ મોટા પ્રમાણમાં રહે છે. આમ છતાં ક્યારેય તેમની વચ્ચે ઘર્ષણ નથી થયું. મુલુંડની સોસાયટીના સેક્રેટરીએ કાયદા વિરુદ્ધનું કામ કર્યું છે એટલે તેની સામે સરકારે કડક હાથે કામ લેવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ સમાજમાં વૈમનસ્ય પેદા ન કરે.’ચાંદિવલી વિધાનસભા ક્ષેત્રના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આપણે મહારાષ્ટ્રમાં રહીને મરાઠીઓને અન્યાય કેવી રીતે કરી શકીએ? ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં મરાઠીઓ રહે છે. તેઓ જો કોઈ ગુજરાતી સાથે આવું વર્તન કરે તો શું થાય? કોઈ પણ વ્યક્તિ કે સમાજ આવું અપમાન સહન ન કરી શકે. આમ કરીને ગુજરાતી અને મરાઠી સમાજમાં કડવાશ પેદા કરીને સંજય રાઉત કે જિતેન્દ્ર આવ્હાડને રાજકારણ કરવાનો તેઓ મોકો આપે છે. લોકશાહીમાં કોઈ કોઈના અધિકાર પર તરાપ ન મારી શકે. મુલુંડની સોસાયટીના સેક્રેટરી ૮૦ વર્ષના છે એટલે તેમની સામે અમે કડક હાથે કામ નહોતું લીધું. તેમની જગ્યાએ કોઈ યુવાન હોત તો તેને મનસેનો પરચો મળી ગયો હોત.’
મુલુંડ વિસ્તારના બીજેપીના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ખોટું છે. કોઈએ પણ આમ ન કરવું જોઈએ. ધર્મ, જાતિ કે ભાષાના આધારે સોસાયટીમાં કોઈને પણ પ્રવેશ આપતા અટકાવી ન શકાય. શિવસદન સોસાયટીના સેક્રેટરી અને તેમના પુત્રનું આવું વર્તન કોઈ પણ રીતે ચલાવી ન શકાય. ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે મેં ‘ટી’ વૉર્ડના ડેપ્યુટી સોસાયટી રજિસ્ટ્રારને પત્ર લખીને ઍડ્વાઇઝરી જારી કરવાનું કહ્યું છે. ધર્મ, જાતિ કે ભાષાના આધારે કોઈ પણ સોસાયટી કોઈ નાગરિકને સોસાયટીમાં જગ્યા ખરીદવાની કે ભાડે રાખવાની મનાઈ ન કરી શકે. તમામ સોસાયટીમાં આવો પત્ર મોકલવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય.’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2023 08:04 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK