સાયનનો રેહાન મહેતા બનવા માગે છે એન્જિનિયર;

વત્સલ પંચાલ
બોરીવલીના વત્સલ પંચાલને બનવું છે સૉફ્ટવેર એન્જિનિયર
બોરીવલી-વેસ્ટમાં રહેતો અને ભાઈંદર-વેસ્ટની એસ. એલ. પોરવાલ ઇંગ્લિશ મીડિયમ હાઈ સ્કૂલનો વિદ્યાર્થી વત્સલ અનિલ પંચાલ દસમા ધોરણમાં ૯૫.૨૦ ટકા માર્ક્સ સ્કોર કરીને તેની સ્કૂલમાં પ્રથમ ક્રમે આવ્યો છે. તે અત્યારે જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહ્યો છે અને તેને ભવિષ્યમાં આઇઆઇટીમાંથી સૉફ્ટવેર એન્જિનિયર બનવું છે. વત્સલે તેની સફળતાનું શ્રેય તેના તમામ ટીચરો અને તેની બીએ ગ્રૅજ્યુએટ મમ્મી ધર્મિષ્ઠા અને એમબીએ પપ્પા અનિલ પંચાલને આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને આ બધા લોકો મારા અભ્યાસમાં ટેકો અને સતત માર્ગદર્શન આપતા હતા અને હું તેમના માર્ગદર્શનમાં વિશ્વાસ રાખીને એનો અમલ કરતો હતો અને આગળ પણ કરીશ. આ કારણે જ હું નાનપણથી સ્કૂલમાં ટૉપર રહ્યો છું. મારે મારા આ ગ્રેડને સંભાળી રાખવો હતો અને આ પરીક્ષામાં ૯૮ ટકા માર્ક્સ લાવવાનું મારું લક્ષ હતું. એટલે હું દિવસમાં પાંચથી છ કલાક મહેનત કરતો હતો. એને પરિણામે હું ૯૫.૨૦ ટકા માર્ક્સ સાથે મારી સ્કૂલમાં ત્રીજા ક્રમે રહેવામાં સફળ રહ્યો છું. મને ગિટાર વગાડવાનો શોખ છે.’
સાયનનો રેહાન મહેતા બનવા માગે છે એન્જિનિયર
સાયનમાં રહેતો અને માટુંગાની બી.એ.કે. સ્વાધ્યાય ભવન સ્કૂલનો રેહાન રાજીવ મહેતા દસમા ધોરણમાં ૯૭.૨૦ ટકા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયો છે. તેની સ્કૂલમાં તે સેકન્ડ નંબરનો ટૉપર છે. રેહાન એન્જિનિયર બનવા માગે છે.
બોર્ડની પરીક્ષાઓને મોટા ભાગે તનાવના પ્રતીક તરીકે જોવામાં આવે છે એમ જણાવતાં રેહાને તેની સફળતાના રહસ્યની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું બોર્ડની પરીક્ષાને જીવનની સ્પર્ધાત્મક પરીક્ષાઓની રીતે જોઉં છું, જે સફળતાના શિખર પર પહોંચવાના પાયાના પથ્થર સમાન છે. મારી દિનચર્યામાં થોડા તનાવનો સમાવેશ થતો હતો; પરંતુ એ ધીમે-ધીમે ઝાંખો થતો ગયો હતો, કારણ કે મારી ફરજો મારી આદતો બની ગઈ હતી. હું એ હકીકતને સમજી શક્યો હતો કે બોર્ડની પરીક્ષા શીખવે છે કે અજાણ્યા જ્ઞાનના વિશાળ સમુદ્રમાં ડૂબકી મારીએ અને શક્ય બને એટલો એનો અમલ કરીએ. મારી હાઉસવાઇફ મમ્મી રૂપલ અને બિઝનેસમૅન પપ્પા રાજીવ મહેતા, ટીચરો અને મારા નજીકના સ્વજનોએ મને તંદુરસ્ત રહેવા માટેનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો હતો. એ પ્રમાણે પરીક્ષાના સમયે પણ સારી ઊંઘ અને હેલ્ધી આહાર લેતો હતો. અંતે મારું પ્રિપરેશન પૂરું થયા બાદ મેં ભૂતકાળનાં દસમા ધોરણનાં પેપરો સૉલ્વ કરવાની પ્રૅક્ટિસને પ્રાધાન્ય આપ્યું હતું. એને કારણે આ જર્નીમાં મને સફળતા મળી હતી અને મારી મહેનતનું ફળ મળ્યું હતું. હું એન્જિનિયરિંગ કરવા માગું છું અને એ માટેની મારી તૈયારીઓ અત્યારથી શરૂ પણ કરી દીધી છે.’