આ સંદર્ભે ઓશિવરા પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધી તેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો છે

આદિત્ય સિંહ રાજપૂત
‘સ્પ્લિટ્સવિલા’ અને ‘ગંદી બાત’થી જાણીતા થયેલા ઍક્ટર આદિત્ય સિંહ રાજપૂતે ગઈ કાલે પોતાના ઘરના બાથરૂમમાં ઊલટી કરતી વખતે જ દમ તોડી દીધો હતો. જોકે આ સંદર્ભે ઓશિવરા પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધી તેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો છે.
મૂળ ઉત્તરાખંડના અને દિલ્હીમાં જન્મેલા આદિત્ય સિંહ રાજપૂતે નાની ઉંમરમાં જ મૉડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ૩૦૦ જેટલી જાહેરખબર તેણે કરી હતી. એ પછી તેને ‘સ્પ્લિટ્સવિલા’માં રોલ ઑફર કરાયો હતો. એ રોલના કારણે તેને લોકપ્રિયતા મળી હતી. આદિત્યએ ‘ક્રાંતિવીર’ અને ‘મૈંને ગાંધી કો નહીં મારા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ત્યાર બાદ તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો અને અનેક પેજ-થ્રી પાર્ટીઓમાં જોવા મળતો હતો.
તેના અચાનક થયેલા મૃત્યુની માહિતી આપતાં ઓશિવરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મોહન પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍક્ટરના નોકરના જણાવ્યા અનુસાર તે ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે ઊઠ્યો હતો, પણ પછી તેને ઊલટીઓ થઈ રહી હતી. તેણે નોકરને નાસ્તો બનાવવાનું કહ્યું હતું અને નાસ્તામાં પરાંઠાં પણ ખાધાં હતાં. બપોરે તેણે જમવામાં ખીચડી બનાવવા કહ્યું હતું. એથી નોકરે ખીચડી પણ બનાવી હતી. જોકે બપોરે અઢી વાગ્યે ફરી તેને ઊલટી થતાં તે બાથરૂમમાં ગયો હતો અને ત્યાં જ ફસડાઈ પડ્યો હતો, જેના કારણે તેને કાનની પાછળના ભાગમાં દીવાલ સાથે અથડાતાં નાની ઈજા થઈ હતી અને ત્યાં ઢીમચું પણ થઈ ગયું હતું તેમ જ બાથરૂમની ટાઇલ્સને પણ થોડું નુકસાન થયું હતું. તેના પડવાની જાણ તેના નોકરને થતાં તેણે તરત જ બિલ્ડિંગના વૉચમૅનને બોલાવ્યો હતો. બંને જણે ભેગા મળી તેને ઉપાડીને પલંગ પર સુવડાવ્યો હતો, પણ તે મૃત્યુ પામ્યો હોવાનું લાગતાં અમને જાણ કરી હતી. અમે તેના મૃતદેહનો કબજો લીધો છે અને પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો છે. તેણે ડ્રગ્સ લીધું હતું કે નહીં એ વિશે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.’